ગાંધીનગર મેયર એક્શન મોડમાં:મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભલામણથી નોકરી મેળવી તગડો પગાર લેતાં બિનકાર્યક્ષમ કર્મચારીઓને પાણીચું અપાશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેયર હિતેશ મકવાણાનો ફાઇલ ફોટો - Divya Bhaskar
મેયર હિતેશ મકવાણાનો ફાઇલ ફોટો
  • મેયર હિતેશ મકવાણાએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનાં કર્મચારીઓની ફાઈલ મંગાવી
  • સંબંધિત અધિકારીઓનો ખુલાસો પૂછી આગામી દિવસોમાં એક્શન લેવામાં આવશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવ નિયુક્ત મેયર હિતેશ મકવાણા દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ એક્શન મોડમાં આવી ગયા છે. ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભલામણથી નોકરી મેળવી તગડો પગાર મેળવતાં લાયકાત વિનાના કર્મચારીઓનો ડેટા મંગાવી તમામને પાણીચું આપવાની તૈયારીઓનાં ભાગરૂપે મેયરે સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં તગડો પગાર મેળવતા કર્મચારીઓની ફાઈલ પણ મંગાવી લીધી છે. ત્યારે નજીકના દિવસોમાં સંબંધિત અધિકારીઓનો ખુલાસો પૂછી લાયકાત વિનાના કર્મચારીઓને પાણીચું આપી દેવામાં આવશે તેવા સંકેતો મળ્યા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા સમયથી વિવાદોથી ઘેરાયેલું છે. કોર્પોરેશનમાં ભલામણથી બિન લાયકાત ધરાવતા અનેક કર્મચારીઓ નોકરી મેળવીને તગડો પગાર મેળવી રહ્યા હોવાની વાત સૌ કોઈ જાણે છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવતાં વ્યાપક ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદો વિપક્ષ કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવી હતી. પરંતુ સત્તા સામે શાણપણ નકામી એ રીતે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સામે કોઈએ નક્કર કાર્યવાહી અત્યાર સુધીમાં કરી નથી. સ્માર્ટ સીટી પ્રોજેક્ટની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કોર્પોરેટર તેમજ પૂર્વ મેયરનાં સગાંઓ ભલામણથી નોકરી મેળવી રૂપિયા 30થી 40 હજારનો તગડો પગાર મેળવી રહ્યા છે, જે બાબતે ભૂતકાળમાં ઘણો વિવાદ પણ ઉભો થયો હતો.

ત્યારે ગાંધીનગરના નવ નિયુક્ત મેયર હિતેશ મકવાણા કોર્પોરેશનમાં થયેલા ભ્રષ્ટાચારોને નેસ્તનાબૂદ કરી દેવાના એક્શન મોડમાં આવી ગયા છે. મેયરને પણ ખ્યાલ આવી ગયો છે કે કોર્પોરેશનમાં બિન લાયકાત ધરાવતા લોકો નોકરીએ લાગ્યાં છે અને હજારો રૂપિયાનો પગાર મેળવી રહ્યા છે. એનાથી પણ ઓછા પગારમાં અનુભવી કર્મચારીઓ અને અધિકારીઓ મળી રહે એમ છે, જેનાં કારણે કોર્પોરેશનમાં પારદર્શક કામગીરીની સાથે આર્થિક રીતે ફાયદો પણ થાય તેમ છે.

આ અંગે કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મેયર હિતેશ મકવાણા દ્વારા બિન અનુભવી અને લાયકાત વિનાના કર્મચારીઓનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. ખાસ કરીને સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં કામ કરતાં કર્મચારીઓની ફાઈલ પણ મંગાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં સંબંધિત અધિકારીઓને બોલાવી અત્યાર સુધી કર્મચારીઓએ કરેલી કામગીરીનું સરવૈયું માંગી ખુલાસો પૂછવામાં આવશે. જેમાં કસૂરવાર બિન લાયકાત વિનાના કર્મચારીઓને પાણીચું આપી દેવાના સંકેતો મેયર હિતેશ મકવાણા દ્વારા આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેયર દ્વારા કડક નિર્ણય લેવામાં આવશે તો તેમના પર પણ ઉચ્ચ કક્ષાએથી દબાણ લાવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...