રિયાલિટી ચેક:ગાંધીનગર કોર્પોરેશનની સ્માર્ટ વેબસાઈટનું રિયાલિટી ચેક, ઓનલાઈન ફરિયાદનું નિરાકરણ 7 દિવસે પણ આવતું નથી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય વહીવટી તાલમેલના અભાવે ઓનલાઈન ફરિયાદોનું નિરાકરણ નથી આવતું

ગાંધીનગરનાં સ્માર્ટ કોર્પોરેશનની વેબ સાઈટ થકી યોગ્ય વહીવટી તાલમેલના અભાવે ઓનલાઈન ફરિયાદોનું કોઈ કાળે નિરાકરણ આવતું નથી. એક તરફ કોર્પોરેશનની સ્માર્ટ વેબ સાઈટ પર વિવિધ સમસ્યાના સમાધાન માટે ઓનલાઈન ફરિયાદ બુકિંગની સુવિધા જ ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે એજ ફરિયાદના સ્ટેટસ સંદર્ભે ટોલ ફ્રી નંબર દ્વારા લેખિત ફરિયાદ કરવાની જ સુવિધા હોવાનો ઉડાઉ જવાબ આપવામાં આવતા સ્માર્ટ વેબ સાઈટની પોલ ખુલી જવા પામી છે.

ગાંધીનગર શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરનાં મૂળભૂત નકશામાં મોટાપાયે ફેરફાર કરીને નગરની કાયા પલટ કરવામાં આવી રહી છે. જેનાં કારણે ગાંધીનગરની સ્થાપના કાળથી ખુલ્લા રોડ રસ્તા અને હરિયાળીનાં કારણે આગવી ઓળખ ધરાવતું શહેર વિકાસની આંધળી દોટમાં તેનો મૂળભૂત ઢાંચો ગુમાવી રહ્યું છે.

નગરજનોને આગળીના ટેરવે તમામ સમસ્યાનાં નિરાકરણ તેમજ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે માટે કોર્પોરેશન દ્વારા સ્માર્ટ વેબ સાઈટ લાખોનું આંધણ કરીને તૈયાર કરવામાં આવી છે. પરંતુ વહીવટી તાલમેલનાં અભાવે સ્માર્ટ વેબ સાઈટનો જ વિકાસ થતો નથી.

દિવ્ય ભાસ્કર ડીજિટલ દ્વારા નગરજનોને પડતી દુવિધા માટે શરૂ કરાયેલી વેબ સાઈટ મારફતે ગટર, ટ્રી કટિંગ, મૃત પશુ નિકાલ, પાણી સહિતની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે ઉપલબ્ધ કરાયેલી ઓનલાઈન ફરિયાદ સિસ્ટમની કામગીરીનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત તા. 30મી જુલાઈના રોજ ટ્રી કટિંગની સુવિધા માટે ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનાં બદલામાં કોર્પોરેશન તંત્રની વેબ સાઈટ મારફત ટિકિટ આઈડી નંબર ઈસ્યુ કરવામાં આવ્યો હતો. જે ટિકિટનો નંબર 1 લાખથી ઉપરનો દર્શાવવામાં આવ્યો હતો. જેનાં થકી જ અનુમાન લગાવી શકાય છે કે સમસ્યાના નિવારણ માટે કેટલી ઓનલાઈન ફરિયાદો કોર્પોરેશન તંત્રને મળી રહી છે.

ઘણા દિવસો સુધી કોર્પોરેશનનાં સંબંધિત વિભાગ દ્વારા ઓનલાઈન કરાયેલી ફરિયાદ માટે કોઈ જ પ્રકારનો પ્રત્યુત્તર કે સંપર્ક પણ કરવામાં આવ્યો નથી. ત્યારે આજે સ્માર્ટ વેબ સાઈટનાં ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે કોલ સેન્ટરના જવાબદાર કર્મચારીએ ફરિયાદનાં નિરાકરણ માટે લેખિત અરજી આપવી પડશે તેવો જવાબ આપી દેવાયો હતો. જેમની પાસે ટ્રી કટિંગ બાબતે જવાબદાર અધિકારી કર્મચારીનો નંબર પણ માંગવામાં આવ્યો હતો. જે નંબર પણ કોલ સેન્ટર પાસે ઉપલબ્ધ ન હતો. આમ નગરજનોની સમસ્યાનું નિરાકરણ એજ જુની પુરાણી પધ્ધતિ મુજબ લેખિત ફરિયાદ થકી જ થશે તેવું સ્પષ્ટ રીતે ફલિત થયું છે.

આ અંગે ગાંધીનગર કોર્પોરેશનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દવેએ જણાવ્યું હતું કે, વેબ સાઈટ મારફતે ઓનલાઈન ફરિયાદ નોંધાયા પછી તેનું સાત દિવસમાં નિરાકરણ જે તે વિભાગ દ્વારા કરી દેવાનું હોય છે. અરજદારે નોંધાવેલી ફરિયાદ અંગે તેમના સંપર્ક નંબર પર પણ અપડેટ કરવાનું રહેતું હોય છે. કોલ સેન્ટરમાંથી કેમ આવો જવાબ આપવામાં આવ્યો તેની તપાસ કરાવી ઘટતી કાર્યવહી કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...