તંત્ર દ્વારા કાર્યવાહી:ગરીબોનું સસ્તું અનાજ લેતા મોંઘા વાહનો ધરાવતા રેશનકાર્ડ ધારકો પર હવે તવાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા RTOમાંથી વાહનો ધરાવતા માલિકોની યાદી મંગાવા
  • કાર્ડના લાભ માટે પાત્રતા ન ધરાવતા કાર્ડધારકોને શોધી કાઢવા તંત્ર દ્વારા કાર્યવાહી

સરકાર દ્વારા જરૂરિયાતમંદોને સસ્તા અનાજની દુકાનો પરથી સસ્તામાં અનાજ અપાય છે. ત્યારે ઘરે મોંઘા વાહનો કે ગાડીઓ ધરાવતા લોકો પણ ઘણીવાર સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ લેતા હોય છે. ત્યારે હવે આવા રેશનકાર્ડ ધારકોને શોધી કાઢવા જિલ્લા પુરવઠા વિભાગે નવો રસ્તો અપનાવ્યો છે. જે માટે તંત્ર દ્વારા આરટીઓમાંથી વાહનો ધરાવતા માલિકોની યાદી મંગાવાઈ છે. જેના આધારે પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકોને શોધી કઢાશે.

એનએફએસએ કાયદો (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) 2013થી અમલી છે. જેને પગલે અગાઉ કાયદા અંતર્ગત આવતા લોકોની સમયજતા પરિસ્થિતિ સુધરતાં તેઓને તેમાંથી તબદીલ કરાય છે. શનિવારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ એન.એસ.એફ.એસ. હેઠળ પાત્રતા ન ધરાવતા કાર્ડધારકોને બાકાત કરવા માટે કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આર.ટી.ઓ. કચેરી પાસેથી વાહનો ધરાવતા માલિકોની યાદી માંગવામાં આવી છે અને યાદી અનુસાર સંબંધિત તાલુકાના મામલતદારો દ્વારા તપાસ કરીને એન.એસ.એફ.એસ હેઠળ પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકોને શોધી કાઢવાનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. એન.એસ.એફ.એ. કાર્ડ ધારકોના રેશન કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાનું કાર્ય ઝુંબેશરૂપે કરવા મામલતદારોને કલેકટરે જણાવ્યું હતું. જેથી આગમી સમયે કાર્ડ ધારકો રેશન મેળવવામાં ઓટીપી સિસ્ટમનો ઉપયોગ કરી શકે.

આજોલ ગામમાં 7 રેશનકાર્ડ નોન NFSAમાં તબદીલ કરવામાં આવ્યા હતા
પુરવઠા વિભાગ દ્વારા જુલાઈના અંતમાં આજોલ ગામે ઘરે-ઘરે મુલાકાત લેવાઈ હતી. જેમાં 7 રેશનકાર્ડ ધારકના મકાન બે માળના તથા 1 રેશનકાર્ડ ધારક પાસે એ.સી તથા કાર મળી આવી હતી. જેને પગલે માણસા નાયબ મામલતદાર (પુરવઠા)ને રેશનકાર્ડ ધારકોને નોન.એન.એફ.એસ.એમાં તબદીલ કરવા સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...