તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ગાંધીનગરમાં પંચદેવ મંદિરથી સીમિત રૂટમાં રથયાત્રાનું પરિભ્રમણ કરાશે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરનાં પગલે નિર્ણય લેવાયો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાનો રૂટ ઘટાડી 13 કિલોમીટરનો કરી દેવાયો
  • સવારે 7 વાગે રથયાત્રા પંચદેવ મંદિરથી પ્રયાણ કરી ઘ રોડથી ચ રોડ થઈ 11 કલાકે મંદિરે પરત ફરશે

વિશ્વભરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેને લઇને દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેથી તમામ ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે કોરોનાની બીજી લહેર શાંત પડતાં આ વર્ષે ત્રીજી લહેરની અટકળો વચ્ચે ગાંધીનગરમાં પરંપરાગત રથયાત્રાનું 13 કિલોમીટરના રૂટમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે પરિભ્રમણ કરાવવામાં આવશે.

કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો ધાર્મિક અને સામાજિક પ્રસંગો ઉજવી શકતા નથી. સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધુ પ્રસરે નહીં તે માટે સમયાંતરે કોરોનાની નવી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવે છે. જોકે, છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધાર્મિક પર્વોની ઉજવણી નહીં થતાં લોકો પણ માનસિક રીતે હતાશ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે રથયાત્રાનું આયોજન થઈ શકયું નહોતું.

અમદાવાદની સૌથી મોટી એવી જમાલપુરથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળી નહોતી. ભગવાનના રથને મંદિર પરિસરમાં જ પરિભ્રમણ કરાવવામાં આવ્યા હતા. આ જ પરંપરા ગાંધીનગરમાં પણ અનુસરવામાં આવી હતી અને ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જ ભગવાનના રથોને ફેરવવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર રાજ્યમાં સૌથી લાંબી રથયાત્રા ગાંધીનગરની છે. ગાંધીનગરની રથયાત્રાનો રૂટ 31 કીલોમીટર લાંબો છે. ત્યારે કોરોનાની બીજી લહેર થાળે પડયા બાદ સરકાર દ્વારા અમદાવાદ સહીત રાજ્યના અન્ય સ્થળોએ સોશ્યિલ ડિસ્ટન્સ અને વિવિધ નિયંત્રણો સાથે રથયાત્રા યોજાય તે માટે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની સાથે હવે ગાંધીનગરમાં પણ આ વખતે રથયાત્રા માટે મંજુરી વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં 31 કિમી જેટલી લાંબી રથયાત્રાના પરિભ્રમણના બદલે સિમિત રૂટ ઉપર રથયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાની આ સથિતિ વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈનના પાલન સાથે સિમિત રૃટ ઉપર નીકળનારી રથયાત્રા સંદર્ભે સમિતિ દ્વારા આજે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમિતિના અધ્યક્ષ દિનેશભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો રૂટ સીમિત કરી દેવામાં આવ્યો છે. જે અન્વયે આ વર્ષે પ્રતિકાત્મક રથયાત્રા સવારે 7 વાગે પંચ દેવ મંદિર મંદિરથી પ્રયાણ કરશે, જ્યાંથી 17/22 I શોપીંગ થઈ હનુમાન મંદિરથી ઘ રોડ પરથી સેકટર 28 ગાર્ડન સામેથી સેકટર 29માં પ્રવેશ કરી જલારામ મંદિરમાં રોકાણ કરશે. જ્યાં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ચ રોડ પરથી યાત્રા આગળ વધી વૈજનાથ મહાદેવ મંદિર થઈ પરત પંચ દેવ મંદિરે 11 કલાકે પરત આવશે. તેમજ સાંજે 7 કલાકે પરંપરાગત રીતે ભગવાનની આરતી કરાશે.

વધુમાં દિનેશભાઈએ ઉમેર્યું હતું કે દર વર્ષે 31 કિલોમીટર લાંબી રથયાત્રા નગરના માર્ગો પર પરિભ્રમણ કરતી આવી છે. પરંતુ કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી યાત્રાનો રૂટ 60 % ઘટાડી દેવામાં આવ્યો છે. જે મુજબ આ વર્ષે 13 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન સોશિયલ ડીસ્ટન્સી પાલન સાથે રથયાત્રા નીકળશે જેમાં પોલીસ બંદોબસ્ત પણ રહેશે. ભગવાન જગન્નાથ આ વર્ષે સમગ્ર ગાંધીનગરની પરિભ્રમણા નહીં કરે પરંતુ મંદિરની બહાર આ કોરોના કાળમાં ભક્તોને દર્શન આપે તેટલું જ પુરતું છે.

અન્ય સમાચારો પણ છે...