પાટનગરમા જમીનો બારોબાર પડાવી લેવાની ઉઠતી ફરિયાદો વચ્ચે હવે ભોયણ મોટી ગામે ફરિયાદ ઉઠી છે. જેમાં ટ્રસ્ટ દ્વારા ભાડે લેવાયેલી આશરે 12 વીઘા જેટલી જમીનમાં ભાડના નામે સહીઓ લઈને વેચાણ કરી લેવામાં આવી હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. ખેડૂતો દ્વારા સમગ્ર મુદ્દે 4 લોકો સામે કાર્યવાહી કરવા કેન્દ્રિય ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરવામા આવી છે.
ગાંધીનગરના ભોયણમોટીમા રહેતા ખેડૂત બોથાજી વરસંગજી ઠાકોર સહિત 10 ખેડૂતોએ કેન્દ્રિય ગૃહમંત્રી, રાજ્યના મહેસુલ પ્રધાન, નાયબ કલેક્ટર અને રેંન્જ આઇજી સમક્ષ અરજી કરી છે. તેઓના દાવા પ્રમાણે ગામના સર્વે નંબર 1363, 1366, 1167, 1364, 1368 અને 1379 વડીલો પાર્જીત જમીન છે, 1951થી ખેડૂતોએ ત્યાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.
2006માં એક ટ્રસ્ટ દ્વારા ગામમાં ગરીબ બાળકો માટે આંગણવાડી, વૃદ્ધાશ્રમ સહિતના સેવાકીય કાર્યો કરવા જમીન ભાડે લેવા માટેની વાત કરી હતી. અરજીમાં થયેલા દાવા મુજબ સરકારમાં ફાઇલ મુકવાની વાત કરી કલોલ સબ રજિસ્ટ્રાર કચેરીમા ડોક્યુમેન્ટ સાથે લઇ ગયા હતા અને ભાડા કરારની નોંધણી કરી હતી. ટ્રસ્ટના માલિક દ્વારા ભાડા કરાર કરાયો હતો.
ખેડૂતોના આક્ષેપ મુજબ તેઓના ઘરે 135Dની નોટીસ આવી ત્યારે ખબર પડી હતી કે, ભાડા કરાર કરવાનું કહીને વેચાણ કરાર કરી લેવામાં આવ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ વર્ષ 2006 પછી ટ્રસ્ટના માલિક ખેતરમાં આવ્યા નથી, તેઓ ખેડૂત પણ ન હોવાનો દાવો રજૂઆત કર્તાઓનો છે.
ટ્રસ્ટના માલિકે 9 વર્ષ પછી 2015માં પ્રાંતમા અપીલ કરી હતી. જે બાદથી ખેડૂતો પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીએ પોતાની લડત ચલાવી રહ્યાં છે. જેમાં વેચાણની નોંધો મંજૂર થતાં હવે ખેડૂતો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.