આ વખતે સુરતમાં રમાઈ રહેલી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી - 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલુ મેચ દરમ્યાન રાજકોટ મનપાની ટીમ દ્વારા ગાંધીનગર મનપા કમિશ્નરની ટીમના ફિક્સ પેનાં કર્મચારીનો વિરોધ કરવામાં આવતાં બન્ને ટીમ વચ્ચે મામલો ગરમાયો હતો. બન્ને ટીમ વચ્ચે માથાકૂટ થતાં ગાંધીનગરની મેયર ટીમે સેમીફાઈનલ મેચનો બોયકોટ કર્યા પછી અંતે મેચ રમવાનો નિર્ધાર પણ કરી લીધો છે.
સુરતમાં રમાઈ રહેલી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી - 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર મનપાની મેયર તેમજ કમિશ્નરની ટીમ પણ ટુર્નામેન્ટ રમવાં ગઈ છે. જેમાં પ્રથમ લીગ મેચની અંદર સામેની ટીમની ગેરહાજરીના કારણે મેયર ઇલેવન ગાંધીનગરની ટીમ વિજેતા ઘોષિત થવાની સાથે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી ચુકી હતી. જો કે આજે ગાંધીનગર મનપાની કમિશ્નર ટીમ અને રાજકોટ મનપાની ટીમ વચ્ચે ચાલુ મેચમાં માથાકૂટ થઇ હતી. જેનાં પગલે મેયરની ટીમ દ્વારા સેમીફાઈનલ મેચનો બોયકોટ કરી દેવામાંઆવ્યો હતો.બાદમાં સેમીફાઈનલ રમવા નિર્ધાર પણ કર્યો હતો
વાત એમ હતી કે ગાંધીનગર મનપાની કમિશનર ટીમ તેમજ રાજકોટ મનપાની ટીમ વચ્ચે મેચ હતી. જેમાં બીજી ઓવર સમયે જ રાજકોટની ટીમ દ્વારા ગાંધીનગરની ટીમના ફીક્સ પે ના કર્મચારી મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. જેને પગલે બંને ટીમો વચ્ચે ચડભડ થઈ હતી. રાજકોટની ટીમે પહેલા બેટિંગ લેતાં ગાંધીનગરની ટીમના જયદીપસિંહ રાજપુતે પહેલી ઓવરમાં માત્ર બે જ રન આપ્યા હતા.
આથી રાજકોટ ટીમના ખેલાડીઓને બોલર જયદીપસિંહ સામે શંકા ઉપજી હતી. અને બોલર જયદીપસિંહ અંગે તપાસ કરવામાં આવતા તે ફિક્સ પેનો કર્મચારી હોવાનું બહાર આવતાં વાંધો ઉઠાવ્યો હતો. જેનો યજમાન સુરતની ટીમે પણ સૂર પુરાવ્યો હતો. આ મામલે બન્ને ટીમો વચ્ચે ચાલુ મેચમાં ઉગ્ર ચડભડ થઈ હતી. નોંધનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી જ્યારે પણ ભાગ લેવાયો ત્યારે ફીક્સ પે સહિતના કર્મચારીઓને સમાવેશ કરાયો જ હતો.
એમાંય અઠવાડિયા પહેલાં જ ખેલાડીઓના નામ સહિત તમામ વિગતો મોકલી અપાઈ હતી. તેમ છતાં ફિક્સ કરવા પેના કર્મચારી નો વિરોધ નોંધાવી વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આખરે ગાંધીનગરની ટીમ નીકળી જતાં તેઓને પાછા બોલાવી લેખિતમાં હાર સ્વિકારવા કહેવામાં આવતા ટીમે ઘસીને ના પાડી દીધી હતી. જેને પગલે ટીમને ડિસ્ક્વાલીફાય કરાઈ હતી. આમ મેયરની ટીમે પણ સેમીફાઈનલ મેચમાં નહીં રહીને ટૂર્નામેન્ટનો બોયકોટ કર્યો હતો. આ અંગે મેયર હિતેશ મકવાણા સાથે વાત થતાં તેમણે કહ્યું હતું કે રાજકોટ અને કમિશ્નર ની ટીમ વચ્ચે થોડીક માથાકૂટ થઇ હતી. પરંતુ અમારે સેમીફાઈનલ રમવાનું નક્કી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.