તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:ગાંધીનગર, કલોલ, દહેગામમાં વરસાદ, વરસાદી માહોલથી તપામાનમાં 4 ડિગ્રીનો ઘટાડો, મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
SG હાઈવે પર ખોરજ સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં - Divya Bhaskar
SG હાઈવે પર ખોરજ સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ગાંધીનગર જિલ્લામાં હવે ધીરે-ધીરે ચોમાસુ જામતું હોય તેમ 2 દિવસથી વરસાદી માહોલ બંધાયો છે. બુધવારે મોડી સાંજે ગાંધીનગર શહેર, દહેગામ, કલોલ, માણસા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. બુધવારે મોડી સાંજે વરસાદ બાદ ગુરુવારે સવારથી જ નાગરિકોને અસહ્ય ઉકડાટનો સામનો કરવો પડ્યો હતો. જોકે બપોર પછી વરસાદ વરસતા એકંદરે લોકોને ગરમીથી રાહત થઈ હતી. સાંજના સમયે વરસાદને પગલે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામાનો કરવો પડ્યો હતો. જેમાં એસજી હાઈવે પર ખોરજ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો.

વરસાદી માહોલને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. બુધવારે નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં 5.5 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી જ્યારે 4 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. વરસાદને પગલે ગાંધીનગર શહેરના કેટલાક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે કલાકો પછી ઓસર્યા હતા. આ તરફ કલોલમાં પણ વરસાદને નવજીવન રોડ સહિત નીચાણ વાળા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા.

દહેગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
દહેગામ શહેરમાં બુધવારે મોડી સાંજે અચાનક વીજળીના ચમકારા થવા બાદ જોરદાર વરસાદ પડ્યો હતો.જ્યારે ગુરુવારે દિવસ દરમિયાન વાદળોની સંતાકુકડીના પગલે લોકો અસહ્ય બાફ અને ગરમીનો સામનો કરી રહ્યા હતા તેવામાં સાંજે અચાનક વરસાદના ઝાપટા પડવાની શરૂઆત થઇ હતી. વરસાદને પગલે શહેરના જૂના બજાર,એસટી સ્ટેન્ડ રોડ, મ્યુનીસીપલ હાઇસ્કૂલ રોડ, પૂર્ણિમાનો ઢાળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

માણસા શહેરમાં કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો
માણસા પંથકમાં બુધવાર સાંજથી સવાર સુધી પડેલા 31 એમએમ વરસાદમાં જ શહેરના અમુક વિસ્તારોમાં લાઇટો ડૂલ થઈ ગઈ હતી. ભારે પવન ન હોવા છતાં અમુક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા લોકો ઘરમાં બફારાથી પરેશાન થઇ ગયા હતા. ધંધા રોજગાર વાળા લોકોને પણ ઘરે જવાના સમયે જ લાઈટ ચાલી જતા અંધારામાં બેસી રહેવું પડ્યું હતું. મસ્જિદ ચોક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો જે આઠ કલાક બાદ પરત આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગત રવિવારે જ માણસા શહેરમાં વીજ કાપ મૂકી મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું તેમ છતાં કોઈપણ જાતના ભારે પવન કે વરસાદ સિવાય ફક્ત વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...