નશાનો અડ્ડો ઝડપાયો:ગાંધીનગરના ચરેડી છાપરામાં વર્ષોથી ચાલતા યુસુફનાં નશાનાં કારોબાર પર દરોડા, નશાયુકત તાડીનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂલાઈના અંતમાં પણ માના ઉર્ફે મણીલાલ લક્ષ્મણભાઇ ચમાર તાડીનો વેપલો કરતાં ઝડપાયો હતો
  • યુવાધનને નશાનાં રવાડે ચઢાવનાર યુસુફ અને મણિલાલનો તાડીનો વેપલો સદંતર બંધ કરાવવા નાગરિકોમાં માંગ

ગાંધીનગરના ચરેડી છાપરાંમાં વર્ષોથી બેરોકટોક ચાલતાં યુસુફશા જીવાશા ફકીરનાં નશા યુકત તાડીનાં કારોબાર ઉપર ગઈકાલે મોડી સાંજે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડીને બે ડ્રમ ભરીને તાડીનો જથ્થો ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે જુલાઈના અંતમાં પણ જીઈબી છાપરા વિસ્તારમાં તાડીનો વેપલો કરતા માનાભાઇ ઉર્ફે મણીલાલ લક્ષ્મણભાઇ ચમારના અડ્ડા પર પણ રેડ કરાઈ હતી. તેમ છતાં અહીં યુવાધનને નશાનાં રવાડે ચઢાવવાનો કારોબાર બેરોકટોક ચાલતાં ગઈકાલે લોકલ ક્રાઇમ બ્રાંચને ત્રાટકવાની નોબત આવી હતી.

નશા યુક્ત તાડી પીને નશાનાં હિલોળે ચઢવા યુવાધનમાં ક્રેઝ વધવા માંડયો
ગાંધીનગરના ચરેડી છાપરાં વિસ્તારમાંથી ઘણા વર્ષોથી બે રીઢા બુટલેગરો યુસુફશા જીવાશા ફકીર અને માનાભાઇ ઉર્ફે મણીલાલ લક્ષ્મણભાઇ ચમાર દ્વારા નશા યુકત તાડીનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની વાત જગ જાહેર છે. દિવસ ઉગતા થી માંડીને મોડી રાત સુધી ધમધમતા નશા યુક્ત તાડી પીને નશાનાં હિલોળે ચઢવા યુવાધનમાં ખાસ્સો એવો ક્રેઝ વધી ગયો છે. અહીં સાંજ પડતાં જ સારા ઘરના નબીરા ગાડીઓ લઈને આંટાફેરા કરતાં રહેતા હોય છે. આ તાડી પીવાના કારણે શહેરમાં બે યુવકો મોતને ભેટયા હોવાની પણ બૂમરાણ ઉઠવા પામી હતી. છતાં અહીં વર્ષોથી બંને બુટલેગરો દ્વારા બેરોકટોક તાડીનાં અડ્ડા ચલાવવામાં આવતાં હતાં.

જૂલાઈમાં રીઢા બુટલેગર મણિલાલના અડ્ડા પર પણ રેડ કરાઈ હતી
છેલ્લે જુલાઈ મહિનામાં સેકટર - 21 પોલીસે રીઢા બુટલેગર માનાભાઇ ઉર્ફે મણીલાલ લક્ષ્મણભાઇ ચમારનાં અડ્ડા ઉપર રેડ કરવામાં આવી હતી. અને તાડીનો જથ્થો નાશ કરી ગુન્હો દાખલ કરાયો હતો. જે જીઈબી છાપરા વિસ્તારમાં વેપલો કરતો હતો. આ અગાઉ પણ મણિલાલ સામે ગુન્હા દાખલ થયા છતાં કોઈ કારણોસર તેનો ધંધો શરૂ કરી દેતો હોય છે. એજ રીતે યુસુફશા જીવાશા ફકીર પણ વર્ષોથી એકહથ્થુ તાડીનું નેટવર્ક ચલાવી રહ્યો છે.

એલસીબીએ બે ડ્રમ ભરીને તાડીનો જથ્થો ઝડપી પાડ્યો
ગઈકાલે મોડી સાંજે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની સૂચનાથી ટીમના માણસોએ યુસુફનાં અડ્ડા ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે યુસુફ અડ્ડા ઉપર હાજર મળી આવ્યો નહોતો.બાદમાં એલસીબીએ છાપરાંમાં તલાશી લઈ બે ડ્રમ ભરીને તાડીની 135 નંગ કોથળીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

શખ્સ બંધાણીઓને છાપરાંમાં બેસીને તાડી પીવાની સુવિધા આપતો
ઉલ્લેખનીય છે કે યુસુફ નશા બંધાણીઓને છાપરાંમાં બેસીને તાડી પીવાની સુવિધા પૂરી પાડતો હતો. સ્થાનિકોનું કહેવું છે કે નશા યુક્ત ગોળીઓ યુકત તાળી પીવા માટે સાંજ પડતાં જ સારા ઘરના નબીરાઓનાં આંટા ફેરા વધી જાય છે. ઘણીવાર નાના મોટા ઝગડાઓ પણ થતાં રહે છે. જેથી કાયમી ધોરણે તાડીનું વેચાણ બંધ થાય એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...