તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીનગરનાં ઈસનપુરમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતા હાઈટેક જુગારધામ પર દરોડા,પોલીસ કર્મચારીઓ સહિત 11 રંગેહાથ ઝડપાયા

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિંલોડા પોલીસે બાતમીના આધારે રેડ કરી 205 કોઈન સહિત રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરનાં મગોડી રોડ પર ઈસનપુર મોટા ખાતે છેલ્લા ઘણા સમયથી ધમધમતા હાઈટેક જુગારધામ પર પૂર્વ બાતમીના આધારે ત્રાટકી વિવિધ રકમ લખેલા 205 કોઈન, 11 નંગ મોબાઈલ, રોકડ રકમ સહિત રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતા બે નિવૃત પોલીસ કર્મચારીઓ સહિત 11 જુગારીઓને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ગેરકાયદેસર જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ચીલોડા પોલીસ મથકના ઇન્સ્પેકટર આઈ. એમ. હૂદડના સીધા માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના સબ ઇન્સ્પેકટર એમ એચ સોલંકી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે વખતે જમાદાર કરમણભાઈ સાકાભાઈને બાતમી મળી હતી કે મગોડી રોડ પર ઈસનપુર મોટા ગામના ખેતરમાં આવેલ સુરેશ ચીમનભાઈ પટેલના બે માળના મકાનમાં મોટા પાયે જુગાર ધામ ધમધમી રહ્યું છે.

બાતમીના પગલે ખેતરના મકાનમાં દરોડો પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક પાસેથી વોરંટ મેળવી પોલીસ કાફલો બાતમી વાળી જગ્યા પર પહોંચી ગયો હતો. મકાનમાંથી કોઈ ભાગી ના જાય તે માટે પોલીસે મકાનને ચારે દિશામાંથી કોર્ડન કરી લઈ દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે સુરેશ પટેલે કોઈ જુગાર રમવા ગ્રાહક આવ્યો હોવાનું સમજી દરવાજો ખોલતા જ સામે ઉભેલી પોલીસને જોઈ ફફડી તે ઉઠયો હતો.

બાદમાં પોલીસ ટીમે મકાનમાં તપાસ કરતા એક રૂમમાં 11 જુગારીઓ કૂંડાળું વળીને જુગાર રમતા જોવા મળ્યા હતા. તેઓ પોલીસને જોઈને પોતાના હાથમાંથી પત્તા ફેંકી દઈ શિસ્તમય બેસી ગયા હતા. બાદમાં પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી મનુજી કેશાજી ઠાકોર (રહે લીંબડીયા), ભુપેન્દ્ર રતિલાલ ચૌહાણ (રહે બાવળીયાનો વાસ સાણંદ અમદાવાદ) વીરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર (રહે સાણોદા દહેગામ), રાજુ હીરા ભાઈ મકવાણા (સેક્ટર24 પ્લોટ નંબર 185), રમેશ ગણેશભાઈ પરમાર (નાડીયા વાસ વાવોલ) મહિપત સિંહ રામસિંહ ચૌહાણ (અક્ષર હોમ્સ, વાવોલ), પ્રદીપ રાજારામ ધારણસકર ( મુળજી પારેખની પોળ દરિયાપુર), મનુ રામજીભાઈ પરમાર (સેક્ટર 13 પ્લોટ નંબર 666/6), મહેન્દ્રસિંહ રસિકસિંહ પરમાર (ઇન્દિરા નગર સાણોદા દહેગામ) નિવૃત પોલીસ કર્મચારી ભૂપતસિંહ હેમતુંજી વાઘેલા (રહે. સેકટર 5/સી, પ્લોટ નંબર 1581/2) તેમજ સુરેશ ચીમનભાઈ પટેલની ધરી ધરપકડ કરી લીધી હતી.

આ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જુગાર રમવા માટે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્લાસ્ટિકના કોઈન ઉપર 50, 100, 200, 500 અને 1000 એમ આંક લખેલા છે. જેનાં થકી જુગાર રમવામાં આવતો હતો. જુગાર રમવા માટે ની સુવિધા આપવા માટે રોજ નાં રૂ. 2 હજાર સુરેશ પટેલ લેતો હતો. સ્થળ પરથી 205 નંગ પ્લાસ્ટિકના કોઈન, 7 નંગ કેટ, 11 નંગ મોબાઈલ, માત્ર રૂ. 55 હજાર 450 રોકડા જ પોલીસને મળી આવ્યા હતા.

નોંધનીય છે કે, ઉક્ત જુગાર ધામમાં અન્ય એક પોલીસ કર્મચારી સિવાય બીજા પણ પોલીસ કર્મચારીઓ પણ રમવા માટે આવતા હોવાની પણ વિગતો સાંપડી રહી છે. જ્યારે આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં કોઈપણ વાહન જુગારીઓ પાસેથી મળી ન આવતા પણ અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. હાલમાં તો પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 11 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા તેમજ એપેડેમિક એકટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...