તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દહેગામ બાયડ રોડ પર ગેરકાયદેસર મિની ડીઝલ પંપ પર દરોડા, રૂ.20 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કર મારફતે બાયો ડીઝલ જેવા પ્રવાહીનું રૂ. 70 પ્રતિ લીટરના ભાવે વેચાણ કરતો હતો

ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ પર રુદ્રાક્ષ કોમ્પલેક્ષ આગળ ગેરકાયદેસર રીતે મિની ડીઝલ પંપ ખોલાયો હતો. જેમાં ટેન્કર મારફતે બાયો ડીઝલ જેવા પ્રવાહીનું રૂ. 70 પ્રતિ લીટરના ભાવે વેચાણ કરતા એક ઈસમને દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી 6 હજાર લીટર બેઝ ઓઈલ, ટેન્કર તેમજ નોઝલ સહિતના 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટ્રાન્સપોર્ટની જગ્યા પર બેઝ ઓઈલનું વેચાણ

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક એમ.કે.રાણા દ્વારા પોતાના હસ્તકના પોલીસ મથકના ફોજદારોને પોલીસ મથક હદ વિસ્તારમાંથી ગુનાહિત પ્રવૃતિઓ શોધી કાઢવા તાકીદ કરવામાં આવી હતી. જેનાં પગલે દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે.કે.રાઠોડે બાતમીદારોને સક્રિય કરી પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે દહેગામ બાયડ રોડ પર આવેલ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ દુકાન નંબર 19 - 21 શક્તિ કૃપા ટ્રાન્સપોર્ટની જગ્યા પર બેઝ ઓઈલનું વેચાણ તેમજ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.

ટેન્કરમાં સાધનો લગાવીને મિની પંપ બનાવી દેવામાં આવ્યો

જેનાં પગલે તેમણે પીએસઆઈ પી.જે.સોલંકી સહિતના પોલીસ કુમક સાથે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો. જ્યાં ટેન્કરને મોડી ફાઈડ કરીને મિની ડીઝલ પંપ બનાવી દેવામાં આવ્યો હોવાનું જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જે રીતે પેટ્રોલ પમ્પ ઉપર નોઝલ તેમજ મીટર સહિતની સુવિધા હોય છે. એજ રીતે ટેન્કરમાં સાધનો લગાવીને મિની પંપ બનાવી દેવામાં આવ્યો હતો.

ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો

જેમાંથી પોલીસને ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે દહેગામ મામલતદારને પણ દરોડાની જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે દુકાનના માલિક કિરણ કરશનભાઈ પટેલની પાસે શંકાસ્પદ બાયો ડીઝલ અંગે પૂછતાછ કરી બીલો સહિતના પુરાવા માંગતા તેની પાસેથી કોઈ દસ્તાવેજી પુરાવા મળી આવ્યા ન હતા. જેનાં પગલે પોલીસે દરોડાની કાર્યવાહી આગળ વધારીને દુકાનની તલાશી લેતાં તેમાં પ્લાસ્ટિકના 6 ટાંકામાંથી 1 હજાર લીટર બેઝ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પતરાનાં 13 નંગ પીપડા પણ મળી આવ્યા હતા.

આરોપી વાહનોમાં રૂ. 70 પ્રતિ લીટરના ભાવે વેચતો

ત્યારબાદ શક્તિ કૃપા ટ્રાન્સપોર્ટની બહાર ખુલ્લી જગ્યામાં પડેલા વાહનોની પણ તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે દહેગામ પોલીસ એક મિની ટેન્કર, બે ટ્રક તેમજ બેઝ ઓઈલ વાહનોમાં પૂરવા માટેની મશીનરી ઉપરાંત 6 હજાર ઓઈલનો જથ્થો મળીને કુલ રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આ અંગે દહેગામ પીએસઆઇ જે.કે.રાઠોડે જણાવ્યું હતું કે, એક ઉપરોક્ત સ્થળે એક ટાઈપનો મિની પંપ જ ખોલી દેવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી મળી આવેલા પ્રવાહીના સેમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. તે બાદ જ ખબર પડશે કે આ બાયો ડીઝલ છે કે બીજું કોઈ પ્રવાહી. પરંતુ તપાસ દરમિયાન આરોપી વાહનોમાં રૂ. 70 પ્રતિ લીટરના ભાવે પ્રવાહી ભરી આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં તેની વધુ પૂછતાંછ હાથ ધરી તે ક્યાંથી પ્રવાહી ભરી લાવતો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...