તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્તા પ્રેમી ઝડપાયા:ગાંધીનગરનાં ઉદ્યોગ ભવનનાં કલાર્કનાં ઘરે ચાલતા જુગાર ધામ પર દરોડો, રૂ. 3.27 લાખની મત્તા સાથે 7 જુગારીઓની ધરપકડ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-16ના સરકારી મકાનમાં પિતા પુત્ર જુગાર ધામ ચલાવતા હતા

ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા કલાર્કના સેકટર 16 માં આવેલા સરકારી મકાનમાંથી સેકટર 21 પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી સાત જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ તેમજ વાહનો સહિત કુલ. રૂ. 3.27 લાખની મત્તા સાથે રંગેહાથ ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનામાં ચાલતી જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ દરેક થાના અમલદારોને સૂચનાઓ આપવામાં આવી છે. જેનાં પગલે સેકટર 21 પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર એચ. કે. શ્રીમાળી સ્ટાફના માણસો સાથે જુગારીની પ્રવૃત્તિ શોધી કાઢવાની દિશામાં કાર્યરત હતા.

આ દરમિયાન જમાદાર અલ્પેશસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે સેકટર 16 સુવિધા કચેરી નજીક આવેલા ચ ટાઈપના મકાન નંબર 53/1માં રહેતા વિઠ્ઠલભાઇ લગરભાઈ સોલંકી તેમજ તેનો પુત્ર હિતેશ પોતાના મકાનમાં જુગારધામ ચલાવી રહ્યા છે. જેનાં પગલે પોલીસ કાફલો બાતમી વાળા મકાનમાં ત્રાટક્યો હતો.

મકાનના અંદરના રૂમમાં કેટલાક ઈસમો કુંડાળું વળીને ગંજી પાનાંનો જુગાર ની બાઝી માંડીને બેઠા હતા. પોલીસે તમામને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પૂછતાંછ શરૂ કરતાં તેમણે પોતાના નામ પંકજ ભિખાભાઈ પરમાર (સિદ્ધાર્થ સ્ટેટસ ન્યુ વાવૉલ), અજમલ રૂમાલસિંહ ઠાકોર ( જલુન્દ્રા, દહેગામ), શૈલેષ ધાર સિંહ જમોડ (કલ્પતરુ સોસાયટી, ઝૂંડાલ), કલ્પેશ મણીભાઈ મણિયાર (જામનગર), કૃષ્ણ વિજયસિંહ મહોબ્બતસિંહ ઝાલા (સિદ્ધિવિનાયક બંગલો, સરગાસણ) તેમજ વિઠ્ઠલભાઈ લગરભાઈ સોલંકી અને તેનો પુત્ર હિતેશ સોલંકી હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે સેકટર 21 પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર એચ. કે શ્રીમાળીએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલ સોલંકી સરકારી પ્રેસ કચેરી ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેનો દીકરો હિતેશ ઉદ્યોગ ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના મકાનના ખેલીઓને બોલાવી જુગાર ધામ ચલાવતા હતા. પકડાયેલ જુગારીઓ પાસેથી રૂ. 48 હજાર 500 રોકડા, 6 નંગ મોબાઇલ, 4 વાહનો તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાતેય જુગારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...