શિક્ષણના ધામમાં દારૂનો વેપલો:ગાંધીનગરની કોબાની કસ્તુરબા ગાંધી ટ્રસ્ટ પી.ટી.સી કોલેજનાં સ્ટાફ ક્વાર્ટર્સમાં દરોડો, પટાવાળાનો પુત્ર 288 નંગ દારૃની બોટલો સાથે ઝડપાયો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના કોબાની કસ્તુર બા ગાંધી ટ્રસ્ટ સંચાલિત પીટીસી કોલેજનાં સ્ટાફ ક્વાર્ટર્સમાં રહી વિદેશી દારૃનો વેપલો કરનાર પટાવાળાના પુત્રને ઈન્ફોસિટી પોલીસે દરોડો પાડીને ઝડપી લઈ ભેંસોને ખાવાના ઘાસચારા નીચે સંતાડીને રાખેલી 288 નંગ બોટલો શોધી કાઢી 26 હજારની કિંમતની 6 દારૂની પેટીઓ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પીટીસી કોલેજનો પટાવાળો દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળી
ગાંધીનગરમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરતા ઈસમોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે આપેલી સૂચનાના પગલે ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી જી રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાતના સમયે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમ્યાન બાતમી મળી હતી કે, કોબા સર્કલથી નવા કોબા ગામ તરફ જતા રોડ ઉપર કસ્તુર બા ગાંધી ટ્રસ્ટ પી.ટી.સી કોલેજ પાસે આવેલ ખુલ્લા ખેતરમાં અશોક ઇશ્વરભાઇ રાવળ (રહે- કસ્તુર બા ગાંધી ટ્રસ્ટ પી.ટી.સી કોલેજ સ્ટાફ ક્વાર્ટર્સ) , ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો રાખી દારૂનુ વેચાણ કરે છે.

પોલીસે સ્ટાફ ક્વાર્ટર્સમાં દરોડો પાડી બુટલેગરને ઉઠાવ્યો
જે અન્વયે પોલીસ ટીમે ખાનગી વાહનમાં જઈને કસ્તુરબા ગાંધી ટ્રસ્ટ પી.ટી.સી કોલેજ સ્ટાફ ક્વાર્ટર્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં 24 વર્ષનો અશોક રાવળ મળી આવ્યો હતો. જેને દારૂના વેપલો ચલાવતો અંગે પૂછતાછ કરતાં તે ગલ્લા તલ્લાં કરી દારૃનું વેચાણ નહીં કરતો હોવાનું કહેવા લાગ્યો હતો. જો કે અશોક અગાઉ પણ દારૂના કેસમાં પકડાયો હોવાથી પોલીસને અશોકની વાત ગળે ઉતરી ન હતી.

કોલેજના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહીને જ દારૂનો વેપલો કરતો: પીઆઈ વી જી રાઠોડ
જેનાં પગલે અશોકને સાથે રાખી ઘરે તપાસ કરીને નજીકમાં આવેલી એક કાચી ઓરડી પાસે આવેલ ભેંસો બાંધવાના પતરા વાળા તબેલામાં પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યાં ભેંસોને ખાવાના ઘાસચારાની નીચે નીચે સંતાડી રાખેલ 288 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે, અશોક રાવળ પીટીસી કોલેજના પટાવાળાનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. જે કોલેજના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહીને જ દારૂનો વેપલો કરતો હતો. જેની ધરપકડ કરી લઈ 25 હજાર 920ની કિંમતની વિદેશી દારૂની છ પેટીઓ ઝડપી લેવાઈ છે.

આ અંગે કોબા કસ્તુરબા ગાંધી ટ્રસ્ટ સંચાલિત પીટીસી કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે કસ્તૂરબા ટ્રસ્ટમાં ૩ વિભાગ છે. જે પૈકીના ખેતીવાડી વિભાગમાં ઇશ્વરભાઇ રાવળ સુપરવાઇઝરની નોકરી કરે છે. ઈશ્વરભાઈનો પુત્ર અશોક દારૂના ગુનામાં પકડાયેલો છે. જ્યારે ખેતીવાડી વિભાગના સુપરવાઇઝર ઈશ્વરભાઈ રાવળ અમારી પીટીસી કોલેજનાં કર્મચારી નથી.

અન્ય સમાચારો પણ છે...