સ્પા અને સલૂનની આડમાં દેહવ્યાપાર:ગાંધીનગરના પ્રતીકમોલમાં ચાલતા બ્લેકપર્લ આયુર્વેદિક સ્પામાં દરોડો, ત્રણ રૂપલલનાઓ મળી આવી

ગાંધીનગરએક મહિનો પહેલા

ગાંધીનગરના કુડાસણ પ્રતીક મોલમાં છેલ્લા ઘણા સમયથી બ્લેકપર્લ આયુર્વેકિક સ્પા એન્ડ યુનિસેક્સ સલુનની આડમાં મસાજનાં બહાને ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કરી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બુલબુલી સરકાર નામની મહિલા મેનેજરને ઝડપી પાડી છે. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ રૂપલલનાઓને મુક્ત કરાવી હતી.જ્યારે આયુર્વેકિક મસાજનાં નામે લોહીનો વેપાર ચલાવનાર મુખ્ય સૂત્રધાર તારાપુર ગામના ભૂમાફિયા જયેશ ભગુભાઈ ભરવાડને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મુખ્ય સૂત્રધાર જયેશ ભરવાડ
મુખ્ય સૂત્રધાર જયેશ ભરવાડ

ગાંધીનગરમાં કુડાસણનાં ભરચક્ક વિસ્તારમાં આવેલ પ્રતીક મોલના છઠ્ઠા માળે દુકાન નંબર 613 માં બ્લેકપર્લ આયુર્વેદિક સ્પા એન્ડ યુનિસેક્સ સલુનની આડમાં છેલ્લા ચારેક વર્ષથી મસાજની આડમાં ચાલતો દેહવિક્રયનાં નેટવર્કનો ગાંધીનગર લોકલ ક્રાઇમબ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળા સહિતની ટીમે દરોડો પાડીને પર્દાફાશ કરવામાં આવ્યો છે.ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં કુડાસણનાં પ્રતીક મોલમાં છેલ્લાં ઘણાં વર્ષથી બ્લેકપર્લ આયુર્વેદિક સ્પા એન્ડ યુનિસેક્સ સલુનની આડમાં ભૂમાફિયા જયેશ ભરવાડ દેહ વિક્રયનો કારોબાર ચલાવતો હોવા છતાં પોલીસને ગંધ શુદ્ધા આવી ન હતી.

સ્પામાંથી મહિલા મેનેજર અને ત્રણ રૂપલલનાઓ મળી આવી
લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર દિવાનસિંહ વાળાને બાતમી મળી હતી કે, ઉક્ત સ્પામાં વિવિધ પ્રકારની મસાજનાં નામે દેહ વિક્રયનો વેપલો ચાલી રહ્યો છે. જેનાં પગલે એક ડમી ગ્રાહકને બ્લેકપર્લ આયુર્વેદિક સ્પામાં મોકલવામાં આવ્યો હતો.બાદમાં એલસીબીની ટીમ પ્રતીક મોલ વિસ્તારમાં એલર્ટ મોડ પર તૈનાત થઈ ગઈ હતી. ત્યારે ડમી ગ્રાહક સ્પામાં ગયેલો જેણે થોડીવારમાં ટિપ્સ આપતા જ એલસીબીની ટીમ સ્પામાં ત્રાટકી હતી. જ્યાં કાઉન્ટર પર મહિલા મેનેજર બુલબુલી તરુણદાસ સરકાર(હાલ રહે. ફ્લેટ નં- 204,આઈ બ્લોક નેનોસીટી-2 સરગાસણ, મૂળરહે. ચંદનદાહા, વેસ્ટબંગાળ) બેઠી હતી. અને અન્ય બે રૂપલલના પણ હાજર હતી. જ્યારે પોલીસે ડમી ગ્રાહકના રૂમમાં તપાસ કરતા અંદરથી બીજી એક રૂપલલના મળી આવી હતી.

પશ્ચિમ બંગાળથી યુવતીઓને દેહવ્યાપાર માટે લવાઈ હતી
આ અંગે એલસીબીનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, તારાપુર ગામનો જયેશ ભરવાડ બ્લેકપર્લ આયુર્વેદિક સ્પા નામે કૂટણખાનું ચલાવતો હતો. જેની ઓળખાણ અજીત પાંડે નામના ઈસમે બુલબુલી સરકાર સાથે કરાવી હતી. અને છેલ્લા ત્રણેક વર્ષથી બુલબુલી મેનેજર તરીકે રૂ. 15 હજારના પગારથી નોકરી કરે છે. મસાજ અને લોહીના વેપાર થકી અડધા પૈસા રૂપલલના અને અડધા જયેશ ભરવાડ લેતો હતો. જેનાં માટે પશ્ચિમ બંગાળના વિસ્તારમાંથી રૂપલલનાઓ લાવવામાં આવતી હતી.

સામાન્ય રીતે આયુર્વેદિક મસાજ કરાવવા જતાં ગ્રાહકને બહારનો નજારો જોઈને અંદર ચાલતાં કૂટણખાનાનો અંદાજો પણ આવતો નહીં. કેમકે આખું નેટવર્ક એવું ગોઠવવામાં આવેલ કે કોઈ ગ્રાહક મસાજ કરાવવા જાય એટલે કાઉન્ટર ઉપર રૂ. 1500 ચાર્જ વસૂલી લેવામાં આવતો હતો. બાદમાં મસાજ રૂમમાં રૂપલલના તેની કાતિલ અદાઓથી ગ્રાહકને મોહી લેતી હતી. અને શારીરિક સુખ ભોગવવા માટેની ડીલ રૂ. 3 હજારમાં નક્કી કરાતી હતી. જેમાંથી અડધા પૈસા રૂપલલના મેનેજર બુલબુલીને આપી દેતી હતી. જેનો હિસાબ લેવા માટે જયેશ ભરવાડ આવતો જતો રહેતો હોય છે.

જ્યારે કુડાસણનાં રાધે રેસિડેન્શિ સી - 602 ખાતે રહેતી બે રૂપલલનાને પણ વેસ્ટ બંગાલથી અહીં લાવવામાં આવી હતી. જેઓ પણ ઉક્ત રીતે રૂમમાં મસાજના નામે દેહ વિક્રયનો ધંધો કરતી હતી. આમ એલસીબીએ દેહ વિક્રયનાં સમગ્ નેટવર્કનો પર્દાફાશ કરી મેનેજર બુલબુલી સરકારની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે નાસતા ફરતા જયેશ ભરવાડને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી સ્પામાંથી સીસીટીવી ડીવીઆર, હિસાબના ચોપડા સહિતનો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...