ચૂંટણી:મોદી સામે સીધી ટક્કર ટાળવાના વ્યૂહના લીધે રાહુલ નિષ્ક્રિય

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કન્યાકુમારીથી કાશ્મીર ભારત જોડો યાત્રા નીકળી, ચૂંટણી હોવા છતાં ગુજરાતમાં બાકાત રખાઈ
  • ગુજરાતમાં ગાંધી ગેરહાજર!
  • 2017ની ચૂંટણીમાં સીધા જંગમાં કોંગ્રેસ સત્તા નજીક આવ્યું પણ સત્તા મેળવી શકયું નહીં

ચૂંટણીના ઢોલ વાગે તે પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા અને રેલી કરીને ગુજરાત ફરી વળ્યા છે, બીજી બાજુ રાહુલ ગાંધીએ હજુ સુધી ગુજરાતમાં એકપણ ચૂંટણીલક્ષી જાહેર સભા કે રોડ શો કર્યા નથી. આ વખતે આપ પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પક્ષના સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસનું કંઇક અલગ જ આયોજન છે. સામાન્ય રીતે ગુજરાત ચૂંટણીમાં જંગ મોદી વિરૂદ્ધ રાહુલનો હોય છે જેમાં ફાયદો ભાજપને જ થાય છે. જેથી રાહુલ વિરુદ્ધ મોદીનો જંગ ન થાય તેટલા માટે રાહુલ અત્યાર સુધી ગુજરાતમાંથી ગાયબ છે.

પક્ષમાંથી મળતી જાણકારી પ્રમાણે, કોંગ્રેસ નિષ્ક્રિય નથી. ગ્રામ્ય સ્તરની બેઠકો પર અગાઉથી તૈયારી શરૂ હતી અને હવે ભાજપ પ્રભાવિત શહેરી બેઠકો પર પ્રચારનો દોર શરૂ કરી દીધો છે. કોંગ્રેસ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યું હોવા છતાં ગુજરાતને તેમાંથી બાકાત રાખ્યું છે. કોંગ્રેસે રાજસ્થાન મોડલ આગળ કરીને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ચૂંટણી પ્રચારની કમાન સોંપી દીધી છે.

26 મંદિરો પર ટેકવ્યું હતું માથું
2017માં કોંગ્રેસને ફાયદો કરાવે તેવો માહોલ હતો,છતા કોંગ્રેસ 77 બેઠક મેળવીને સત્તાથી નજીક આવી પણ સત્તા મેળવી શકી નહીં. રાજકીય નિષ્ણાતોના કહ્યા પ્રમાણે, રાહુલ ગાંધીએ 2017માં સપ્ટેમ્બરમાં દ્વારકા મંદિરની મુલાકાત લઇને પ્રચારનો આરંભ કરી દીધો હતો. તેમણે લગભગ 26 મંદિરની મુલાકાત લઇને સોફટ હિન્દુત્વનો મેસેજ આપવાનો પ્રયાર કર્યો હતો.

ગાંધી પરિવારના સહારે જ ફાયદો મેળવતી હોય છે ભાજપ
ગાંધી પરિવાર ગુજરાતના ચૂંટણી પ્રચારમાં વધુ સક્રિય નથી તેની પાછળ કોંગ્રેસની ચતુરાઇપૂર્વકની રણનીતિ છે. અગાઉની ચૂંટણીમાં ગાંધી પરિવારે મોદી પર કરેલા હુમલાઓ ભાજપ માટે આફતમાં અવસર જેવા હતા. મોતના સોદાગર અને ચોકીદાર ચોર છે જેવા શબ્દ પ્રયોગથી કોંગ્રેસને નુકસાન થયું હતું. તેમણે ગાંધી પરિવારના આરોપને ગુજરાતની અસ્મિતા સાથે જોડીને ફાયદો લેવામાં મોદી સફળ રહ્યા હતા.

કોંગ્રેસ સાવ હાથ ધરી બેઠી છે?
એવું નથી કે, ગાંધી પરિવાર ચૂંટણીમાં સક્રિય નથી, ચૂંટણીના મેદાનમાં આવવાને બદલે દિલ્હીમાં બેસીને યોજના બનાવે છે. ચૂંટણીના છ મહિના પહેલાં જ ટાસ્ક ફોર્સની રચના કરી નાખી હતી. કોંગ્રેસનું માનવું છે કે,ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોદીના ગયા પછી ગુજરાત ભાજપમાં લીડરશિપ નબળી પડી ગઇ છે અને ભાજપ નેતૃત્વ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. મોદીના ગયા પછી ગુજરાત ત્રણ મુખ્યમંત્રી જોયા છે.આવા સંજોગોમાં સ્થાનિક મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી શકાય અને સફળ થઇ શકાય છે. મોદીએ પણ ભાજપના કાર્યકરોને ચેતવ્યા હતા કે, કોંગ્રેસને હળવાશથી ન લેતા.

આ 5 કારણોથી સમજો કોંગ્રેસની વ્યૂહનીતિ

  • મોદી વિરૂદ્ધ રાહુલ જંગમાં નુકસાન કોંગ્રેસને જ
  • ગુજરાતમાં છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસનું શાસન નથી
  • આપ મેદાનમાં હોવાથી કોંગ્રેસને નુકસાનનો ડર
  • પરંપરાગત વોટબેંક પર છે કોંગ્રેસને ભરોસો
  • બહુમતી ન આવે તો રાહુલ પર નિષ્ફળતાનું કલંક ન લાગેે​​​​​​​
અન્ય સમાચારો પણ છે...