30 વર્ષ પહેલા ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કૉડની શોધ કરનાર જાપાનીઝ એન્જિનિયર માસાહીરો શુક્રવારે અમદાવાદમાં હતા. અહીં તેમણે જાહેર કર્યું હતું કે હાલ તેઓ ક્યુઆર કૉડના નવા વર્ઝન પર કામ કરી રહ્યાં છે. હાલના બ્લેક એન્ડ વ્હાઇટ ક્યુઆર કૉડમાં ફેરફાર થશે તથા હવે તેમાં વધુ કલર જોવા મળશે.
ગાંધીનગર નજીકના ઉવારસદમાં કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયેલા અમદાવાદ ડિઝાઇન વીક 4.0 દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા આ વાત જણાવી હતી. પહેલીવાર ભારતના પ્રવાસે આવેલા હારાએ કહ્યું હતું કે નવો ક્યુઆર કૉડ આવતા હજુ સમય લાગશે. નવા ક્યુઆર કૉડમાં વધુ ડેટા સ્ટોર થઈ શકે એ રીતે તેની ડિઝાઇન તૈયાર થઈ રહી છે. ત્રણ દિવસના અમદાવાદ ડિઝાઇન વીક દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે માસાહીરો હારાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે બાર કૉડની તુલનામાં ક્યુઆર કૉડમાં અનેકગણો વધુ ડેટા સ્ટોર થઈ શકે છે. શરૂઆતમાં ક્યુઆર કૉડની રચના મેન્યુફેક્ચરિંગ તથા રીટેલ ઉદ્યોગ માટે કરવામાં આવી હતી. પણ હવેના સમયમાં યુપીઆઇ પેમેન્ટ તથા વેબસાઇટની લીંક જનરેટ કરવા સહિતના કામ માટે ક્યુઆર કૉડનો ઉપયોગ કરવામાં આવે છે.
નવો ક્યુઆર કૉડ લંબચોરસ હશે
નવો ક્યુઆર કૉડ હાલની જેમ ચોરસ નહીં પણ લંબચોરસ આકારમાં હશે. તથા તેમાં વધુ ડેટા સ્ટોર થઈ શકશે. હારાએ કહ્યું હતું કે નવો કૉડ આવતા હજુ ઘણો સમય લાગશે. કર્ણાવતી યુનિ.ના ડિઝાઇન વીકમાં હારાએ આ વાત કહી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.