મશીન ખરીદીને પૈસા ન આપ્યા:ગાંધીનગરના વેપારી પાસેથી ઘાસ કાપવાનાં મશીન ખરીદી રૂ. 3.38 લાખની છેતરપિંડી, ત્રણ સામે ગુનો નોંધાયો

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જીઆઇડીસીમાં ખેતીવાડીને લગત સાધનોનો ધંધો કરનાર વેપારી પાસેથી રૂ. 3.38 લાખની કિંમતના ઘાસ કાપવાના મશીનોની ખરીદીની અવેજીમાં આપેલો ચેક બાઉન્સ થતાં સેકટર - 21 પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પાસે રાદેસણના શ્રીરંગ પર્લમાં રહેતો 33 વર્ષીય અમોલ માધવ પાટીલ સેક્ટર- 28 જીઆઇડીસી ખાતે સરલ એગ્રો પ્રા.લિ.નામની કંપનીમાં ખેતીવાડી લગતનાં સાધનો રાખી સરકારી ધારા ધોરણ મુજબ ખેડુતોને સબસીડી ઉપર ઘાસ કટર મશીનનું વેચાણ કરે છે. ગત તા. 17 મી માર્ચનાં રોજ અમોલ પાટીલ કંપની પર હાજર હતો. એ વખતે સરજુ પ્રહલાદજી ઠાકોર (રહે. રણાસણ ગામે તા. હારીજ જી.પાટણ) અને તાજીમ અમીરભાઇ સિંધી (રહે,પોયડા તા.બેચરાજી) ઘાસ કાપવાનું મશીન ખરીદવા માટે ગયા હતા. બાદમાં ભાવ તાલ નક્કી કરી બંને રાયસણ કામ પતાવીને આવી મશીન લેવા આવવાનું કહી નીકળી ગયા હતા. અને સાંજના સમયે તાજીમ સિંધી પીકઅપ ડાલુ લઈ ડ્રાઇવર સાથે કંપની પર ગયો હતો. અને સરજુએ નક્કી કર્યા મુજબનું મશીન આપવા વાત કરી હતી.

જેથી અમોલ પાટિલે રૂ. 1.68 લાખની કિંમતનું ઘાસ કાપવાનું મશીન આપ્યું હતું. જેનાં પુરાવા રૂપે તાજીમ સિંધીએ સરજુનું આધાર કાર્ડ તેમજ ચેક આપ્યો હતો. જેનાં બીજા દિવસે સરજુએ ફોન કરીને અમોલને કહ્યું હતું કે, સુરેન્દ્રનગરના મારા મિત્ર મફતભાઇ વાલુભાઇ ચોસલા આવશે. તેમને પણ મશીન ની જરૂર હોવાથી આપી દેજો, પૈસાની ચિંતા કરતાં નહીં. આમ સાંજના સમયે એક ઈસમ કંપની પર ગયો હતો. જેણે પણ આધાર કાર્ડ તેમજ રૂ. 1.70 લાખનો ચેક આપી મશીનની ખરીદી કરી હતી.

બાદમાં અમોલ પાટિલે ઉક્ત બંને ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા બેલેન્સના કારણે ચેક રિટર્ન થયા હતા. જે અંગે વારંવાર ઉઘરાણી કરવાં છતાં ત્રણેય ઈસમોએ પૈસા પરત કર્યા ન હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અમોલ પાટિલે ફરિયાદ આપતાં સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.