પોલીસે બૂટલેગરો વિરૂદ્ધ લાલ આખ કરી:સાંતેજમાં સ્ટેટ મોનીટરીંગનાં દરોડામાં પીએસઆઈને સસ્પેન્ડ કરાતા જ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, 28.50 લાખનો દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

ગાંધીનગર14 દિવસ પહેલા
  • સાંતેજ પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ લઈ ટ્રાન્સપોર્ટનાં ધંધાની આડમાં એક વર્ષથી ગોડાઉનમાં દારૂનો વેપલો ચાલતો
  • 11 હજાર 445 નંગ દારૂ - બિયરનો જથ્થો મળી કુલ રૂ. 41.66 લાખનો મુદ્દામાલ જપ્ત
  • બુટલેગર ભાગીદારીમાં હરિયાણાથી દારૂનો જથ્થો લઈ આવતો, તેનો દીકરો હિસાબ રાખતો

ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલા રકનપુર જીઆઇડીસીમાંથી તાજેતરમાં જ સ્ટેટ વિજીલન્સની ટીમે પાડેલા દરોડા બાદ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. જેનાં પગલે ગઈકાલે સાંતેજ પોલીસે છેલ્લા એક વર્ષથી ટ્રાન્સપોર્ટનાં ધંધાની આડમાં ચાલતા દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે રૂ. 28.50 લાખની કિંમતનો 11 હજાર 442 નંગ દારૂ - બિયરનો જથ્થો મળીને કુલ રૂ. 41.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી દારૂ ઝડપ્યો હતો

તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રકનપૂર જીઆઇડીસીમાં આવેલી ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાં દરોડા પાડીને દારૂનું ગોડાઉન ઝડપી 162 પેટી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂ. 7.79 લાખનો મુદ્દામાલ કર્યો હતો. આ પ્રકરણમાં સાંતેજ પોલીસ મથકના પીએસઆઇ પી બી રમલાવતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જુલાઈ 2021માં પણ વિજીલન્સનાં દરોડાનાં કારણે સાંતેજ પીઆઈ માંજરીયાને સસ્પેન્ડ કરાયા હતા.

ટ્રાન્સપોર્ટનાં ધંધાની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપ્યું

બીજી તરફ સાંતેજ પોલીસ મથકના નવ નિયુકત પીઆઈ એલ ડી ઓડેદરાએ સ્ટેટ વિજીલન્સનાં દરોડાની ગંભીર નોંધ લઈ પોતાના હદ વિસ્તારમાં ચાલતી દારૂની પ્રવર્તીઓ ઉપર અંકુશ મેળવવા લાલ આંખ કરી સ્ટાફને કડક સૂચનાઓ આપી દેવાઈ હતી. ત્યારે સાંતેજ પોલીસ મથકમાં પીઆઈ ઓડેદરાએ આવતાંની સાથે જ સાંતેજ ગામ ખોડલ હોટલની પાછળ કોઠારી એસ્ટેટમાં છેલ્લાં એક વર્ષથી ટ્રાન્સપોર્ટનાં ધંધાની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે.

બૂટલેગરે દારૂની હેરાફેરીની કબૂલાત કરી

ઉપરોક્ત સ્થળે પોલીસ કાફલો પહોંચતા જ સુરેન્દ્ર શર્મા, વિરેન્દ્ર રઘુવીર શર્મા (રહે. વસંત વિહાર સોસાયટી, નારોલ, મૂળ હરિયાણા), દિનેશ વિજય શર્મા (રહે. વસંત વિહાર સોસાયટી, નારોલ, મૂળ હરિયાણા), અને અલ્પેશ ઉર્ફે અપો રઘુનાથ બારોટ (રહે. અવનિશ હાઈટ એપાર્ટમેન્ટ, શીલજ) નામના ચાર ઈસમો મળી આવ્યા હતા. જે પૈકી સુરેન્દ્ર લક્ષ્મીનારાયણ શર્મા (રહે. એ /102,કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારોલ) એ કબૂલાત કરી હતી કે, તે મૂળ હરિયાણાનો વતની છે. અને એક વર્ષ અગાઉ આ ગોડાઉન શિવ પેકર્સ એન્ડ મુવર્સ નામથી ટ્રાન્સપોર્ટનાં ધંધા અર્થે મયંક કોઠારી પાસેથી ભાડે લીધું હતું. તેમજ તેની આડમાં દારૂનો જથ્થો હરિયાણાથી લઈ આવ્યા હતા. આ ધંધામાં તેનો ભાગીદાર જીગ્નેશ ઉર્ફે જીગો મહેશભાઈ પટેલ (રહે. સિલિકોન સ્કવેર સાયન્સ સિટી, સોલા) છે. આ દારૂનો હિસાબ તેનો દીકરો મધુર શર્મા રાખે છે.

આ કબૂલાતના પગલે પોલીસે સુરેન્દ્ર શર્મા, વિરેન્દ્ર રઘુવીર શર્મા, દિનેશ વિજય શર્મા અને અલ્પેશ બારોટની ધરપકડ કરી છે. તેમજ ઉપરોક્ત ગોડાઉનમાંથી 11 હજાર 442 નંગ દારૂ - બિયરનો જથ્થો કિંમત રૂ. 28 લાખ 50 હજાર 600, પીકઅપ ડાલું, ક્રેટા કાર, પાંચ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 41 લાખ 66 હજાર 100નો મુદામાલ જપ્ત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...