પોલીસ વડાના નિર્ણયથી ખળભળાટ:સાંતેજના રકનપુરમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું, રૂ. 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત, સાંતેજ પીએસઆઇને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રકનપુરમાંથી દારૂનું ગોડાઉન ઝડપી 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
  • જુલાઈ 2021માં પણ વિજીલન્સની રેડ પડતાં સાંતેજ પીઆઈ વી. એસ. માંજરીયાને સસ્પેન્ડ કરાયા હતા

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અત્યાર સુધીમાં જ્યાં જ્યાં દરોડો પાડવામાં આવ્યો હોય છે, એમાં મોટાભાગે જે તે પોલીસ મથકના જવાબદાર ફોજદારને સસ્પેન્ડ થવાનો વખત આવ્યો છે. એજ રીતે તાજેતરમાં પણ વિજીલન્સની ટીમે કલોલ તાલુકાના રકનપુરની જીઆઇડીસીમાં આવેલા ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાં ત્રાટકીને દારૂનું ગોડાઉન ઝડપી 162 પેટી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂ. 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં પણ રાજય પોલીસ વડા આશીષ ભાટિયાના હુકમથી જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા સાંતેજના પીએસઆઇ રમલાવતને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

રૂ. 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલી રકનપુરની જીઆઇડીસીમાં આવેલ ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ત્રાટકીને દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. વિજીલન્સની ટીમે ગોડાઉનમાંથી 162 પેટી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂ. 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

162 પેટી દરોડા દરમ્યાન હાથમાં આવી

સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકવાની ગંધ આવી જતાં બાબુરામ ચૌધરી (રહે. સેટેલાઈટ), હેમારામ કર્મારામ (રહે રાજસ્થાન), નિતીન, સાવન (બન્ને રહે. સરદાર નગર), ઇમરાન (રહે. બાપુનગર), માઈકલ ઉર્ફે હિતેશ (રહે. સરદાર નગર) તેમજ બે મોબાઈલ ધારકો મળીને આઠ ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. વિજીલન્સની ટીમને ઉક્ત સ્થળે અઢીસોથી વધુ દારૂની પેટીઓ હોવાની ચોક્કસ બાતમી હતી. જો કે 162 પેટી જ દરોડા દરમ્યાન હાથમાં આવી હતી.

બીજી તરફ સાંતેજનાં ઈન્ચાર્જ પીએસઆઇ મસાણીની બદલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં થઈ હતી. પરંતુ નવા પીઆઈએ ચાર્જ લીધો ન હોવાથી તેમને છૂટા કરવામાં આવ્યા ન હતા. એવામાં પીઆઈ તરીકે એલ ડી ઓડેદરા હાજર થયાના ગણતરીના કલાકોમાં જ વિજીલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. અને જોગાનુજોગ ઈન્ચાર્જ પીએસઆઇ મસાણીને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રકરણની તપાસ અડાલજ પોલીસ મથકના ફોજદારને સોંપવામાં આવી હતી.

2021માં પણ સાંતેજ પીઆઈને સસ્પેન્ડ કરાયા હતા

આખરે આજે જિલ્લા પોલીસ વડાના તરુણ દુગ્ગલએ વિજિલન્સ દરોડા પ્રકરણમાં સાંતેજ પોલીસ મથકના ડી સ્ટાફ અને બીટની જવાબદારી સંભાળતા પીએસઆઇ રમલાવતને કસૂરવાર ઠેરવીને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ-2021માં પણ કલોલ તાલુકાના શેરીસા ગામે ખુલ્લા ખેતરમાં બાંધેલા વિશાળ મંડપ નીચે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડો પાડી 53 નંગ કેરબા ભરીને દેશી દારૂ, 2 હજાર લીટર વોશ, 11 વાહનો, 11 મોબાઇલ રોકડ રકમ તેમજ દેશી દારૂ ગાળવાનાં સાધનો મળીને કુલ રૂ. 3.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી 8 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પણ સાંતેજ પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સાંતેજ પીઆઈ વી. એસ. માંજરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...