ઇ- લોકાર્પણ:માણસા જનરલ હોસ્પિટલ ખાતે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ઇ- લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસની લોકચાહના પહેલથી હોતી નથી. પરંતુ તેના કાર્ય થકી જ તેની લોકચાહના વધે છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

સમગ્ર દેશમાં પી.એમ. કેરમાંથી નિર્માણ કરવામાં આવેલા પી.એસ.એ. પ્લાન્ટનું ઇ- લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. માણસાની જનરલ હોસ્પિટલ ખાતે નિર્માણ કરવામાં આવેલા પી.એસ.એ. પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસનું આક્રમણ દેશ પર થયું ત્યારે સમગ્ર દેશના મોટાભાગના નાગરિકો માસ્ક, સેનિટાઇઝર જેવી અનેક વપરાશની વસ્તુથી અજાણ હતા. લોકડાઉન દરમ્યાન કોઇપણ વ્યક્તિ ભુખ્યો ન સૂવે તેની ચિંતા દેશના વડાપ્રધાને કરી હતી.

કોરોના વાઇરસને નાથવા પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એવા ર્ડાકટર, નર્સો અને પેરામેડિકલ સ્ટાફે જે ફરજ અદા કરી છે, તે ધણી પ્રશંસનીય છે, તેવું કહી મંત્રીએ આ તમામ કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ ઇચ્છીએ છીએ કે કોરોનાની ત્રીજી લહેર ન આવે પણ જો આવી જાય તો તેની સામે લડવા સરકારે સુચારું આયોજન કર્યું છે. સરકાર દ્વારા 40 હજારથી વધુ ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ સહિત અન્ય મેડિકલ સુવિધાનું સુચારું આયોજન કર્યું છે.

બીજી લહેરમાં પણ ગુજરાતમાં કોઇપણ વ્યક્તિનું ઓક્સિજન ન મળ્યાથી મૃત્યૃ થયું નથી, તેવું કહી તેમણે ઉમેર્યું હતું. કે, પાણીજન્ય રોગો ન ફેલાય તે માટેની જવાબદારી માત્ર સરકારની જ નથી, પણ આવા રોગને નાથવા માટે આપણ સૌની જવાબદારી છે. પાણીજન્ય રોગોને ફેલાતા અટકાવવા નાગરિકોએ શું શું કરવું અને ન કરવું તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત પર પણ ભાર મુક્યો હતો. પાણીનો વપરાશ પણ સમજી વિચારી કરવા સૌને નમ્રભાવે અપીલ પણ કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેની શાસનધુરા સંભાળ્યાને આજે 20 વર્ષ પૂર્ણ થવા બદલ તેમને અભિનંદન પાઠવી મંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ માણસની લોકચાહના પહેલથી હોતી નથી. પરંતુ તેના કાર્ય થકી જ તેની લોકચાહના વધે છે. તેવું કહી વડાપ્રઘાનએ ગુજરાત રાજય – દેશના વિકાસ માટે કેવા ઉમદા કાર્ય કર્યા છે, તેની વિસ્તૃત વાત તેમની આગવી શૈલીમાં કરી હતી.

આજરોજ માણસા જનરલ હોસ્પિટલ ખાતેના 500 એલ.પી.એમ. ક્ષમતા પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજયમાં 58 આવા પ્લાન્ટ કાર્યરત છે. મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સનું શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માણસા જનરલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા. કાનમ શુકલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને આ પ્લાન્ટથી હોસ્પિટલને શું ફાયદો થશે, તેની વાત કરી હતી.

આ પ્રસંગે મહેસાણાના સાસંદ શ્રીમતી શારદાબેન પટેલ, માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત આમંત્રિત મહાનુભાવો અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...