બેઠકમાં ચર્ચા:ગાંધીનગરના 38 વર્ષ જૂના ઇન્દિરા ગાંધી તાલીમ ભવનને તોડી 'નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર' બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે 26 મે 1983ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ગાંધીનગરના સેકટર-17માં આવેલા ચાર દાયકાથી કાર્યરત 38 વર્ષ જૂના ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત ઇન્દિરા ગાંધી તાલીમ ભવનને તોડી નાંખી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

ગાંધીનગરના સેકટર-17માં આવેલા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ભવનનું વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર બનાવવા માટે તાજેતરમાં મળેલી પંચાયત પરિષદની બેઠકમાં પુખ્ત ચર્ચા કરવામાં આવી હતી. અને કેન્દ્ર લેવલ સુધી દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે 26 મે 1983ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ ચાર દાયકા જૂના તાલીમ ભવનમાં પંચાયતને લગતી ટ્રેનિંગ યોજવામાં આવતી હોય છે. પરંતુ કોરોના બાદ આ ટ્રેનિંગ અહીં બંધ છે. આ બિલ્ડિંગ પણ ઘણું જૂનું હોવાથી જર્જરિત પણ છે જેથી નવું બિલ્ડીંગ ઉભું કરવું અનિવાર્ય બની ગયું છે. તાજેતરમાં જ મળેલી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એમાંય ગાંધીનગર ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો લોકસભા મતવિસ્તાર છે. તેના કારણે આ પ્રોજેક્ટનો DPR કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો આ પ્રોજેક્ટ પર કામ કરવાનું થશે તો હોદ્દેદારોને દિલ્હી બોલાવવામાં આવશે અને તેઓ પ્રોજેક્ટની મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે.

આ ટ્રેનિંગ ભવન અંદરથી થોડા ઘણા અંશે રીપેરીંગ કરવામાં આવ્યું છે. પરંતુ બહારથી આખું બિલ્ડીંગ જર્જરીત જેવું છે. જેથી નવું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને પ્રોજેક્ટની માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે. જેથી વડાપ્રધાન અને પ્રધાનો અને હોદ્દેદારો મળી આ નિર્ણય લઈ શકે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીયકક્ષાના દેશના પ્રથમ સુવિધા સભર અને અદ્યતન પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર બનશે. જેમાં જિલ્લા પંચાયત તાલુકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓને તાલીમ આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...