તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર જાહેરાતોની સરકાર!:પ્રોપર્ટી ટેક્સ મુક્તિનો 21 દિવસ બાદ પણ અમલ નહીં, શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશન જારી કર્યું નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

કોરોના સંક્રમણ અને આંશિક લૉકડાઉનને કારણે હોટલ- રેસ્ટોરાં, રિસોર્ટ અને વોટરપાર્કને આર્થિક ફટકો પડ્યો છે, એમાં રાહત આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ હજુ સુધી સરકારે એનો અમલ કર્યો નથી. સીએમની જાહેરાતના 21 દિવસ બાદ પણ શહેરી વિકાસ વિભાગે આ એકમોને પ્રોપર્ટી ટેક્સમાં માફી આપવા માટે કેવા પ્રકારની કાર્યપદ્ધતિ અપનાવવી અને પાલિકા- પંચાયતોને કેવી રીતે એનું વળતર ચૂકવાશે એનું વિધિસરનું નોટિફિકેશન જાહેર કર્યું નથી. હજુ સુધી ફાઇલો વિભાગ અને સીએમ ઓફિસ વચ્ચે અટવાયા કરે છે.

એક વર્ષના સમય માટે કરમુક્તિની જાહેરાત કરી હતી
7મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હોટલ, રેસ્ટોરાં, વોટરપાર્ક અને રિસોર્ટને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરાતનો અમલ શહેરી વિકાસ વિભાગ અને ઊર્જા વિભાગ દ્વારા કરવાનો રહે છે. જાહેરાત બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી તેમના વિસ્તારમાં કેટલા એકમો આવેલા છે એની વિગતો મગાવાઇ હતી, પરંતુ વિગતો આવ્યા બાદ પણ નોટિફિકેશન જારી થયું નથી. એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો લેખિત આદેશ હજુ સુધી મહાપાલિકા, નગરપાલિકા, ગ્રામપંચાયતોને મળ્યો નથી, જેને કારણે આ સંસ્થાઓ દ્વારા સીએમની જાહેરાતનો અમલ શરૂ કર્યો નથી.

જેણે ટેક્સ ભર્યો છે તેમને પરત અપાશે
હજુ સુધી કોઇ એકમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી નથી. સામાન્ય રીતે પાલિકાઓ દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી અનેક એકમોએ વેરો ભરી પણ દીધો છે. સરકારની જાહેરાત મુજબ એ પરત મળશે, પરંતુ નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને સત્તાવાર સૂચના મળી નહીં હોવાથી પાલિકા દ્વારા કોઇ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. માફ કરવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સની રકમ સરકાર પાલિકા- પંચાયતોને કેવીરીતે ચૂકવશે એની પણ કોઇ સૂચના હજુ સુધી આપવામાં આવી નથી. સરકારે જાહેરાત કરી દીધી પણ વહીવટી આંટીઘૂંટીમાં પ્રોપર્ટી ટેક્સમાં માફીની ફાઇલ અટવાઇ છે.