તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરીફ પાકનું વાવેતર:જિલ્લામાં વરસાદની ખેંચથી ખરીફ પાકોના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડાની શક્યતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં 70થી 80 ટકા જેટલો ભેજ હોય તો જ ખરીફ પાકની યોગ્ય વૃદ્ધિ થાય

ચાલુ વર્ષે જિલ્લામાં હજુ સુધી માત્ર 27 ટકા જ વરસાદ પડ્યો છે. ત્યારે તેની સીધી અસર ખરીફ પાક ઉપર પડી રહી છે. વરસાદના અભાવ વચ્ચે વાતાવરણમાં ગરમીને લીધે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70થી 80 રહેવું જોઇએ તેને બદલે 57 ટકા જોવા મળી રહ્યું છે. આથી ચોમાસા જેવું વાતાવરણ નહી મળવાથી ખરીફ પાકના વૃદ્ધિ ઉપર તેની અસર પડવાથી ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડાની શક્યતા ખેડુતોએ વ્યક્ત કરી છે.

તાઉતે વાવાઝોડાના કારણે ચોમાસું વહેલું હોવાની આશા સાથે ખેડુતોએ ખરીફ પાકનું વાવેતર કરી દીધું છે. જોકે વરસાદ પડશે તેવી આશા સાથે જિલ્લાના ખેડુતોએ કુલ 111946 હેક્ટરમાં વાવેતર કરી દીધું છે. પરંતુ વરસાદ ખેંચાતા ખરીફ પાક સુકાવાની કગાર ઉપર હોય તેમ લાગી રહ્યું છે. ચાલુ વર્ષે વરસાદ નહી પડવાથી દિવસના વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ 70થી 80 ટકા રહેવું જોઇએ તેને બદલે 57 ટકા નોંધાઇ રહ્યું છે. ગરમીના કારણે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટી જવાથી તેની સીધી અસર ખરીફ પાકના વૃદ્ધિ દર ઉપર પડશે.

ખરીફ સીઝનમાં વાવેતર કરાયેલા કોઇપણ પાકનો વૃદ્ધિદર 40થી 65 દિવસનો હોય છે. આથી આ વૃદ્ધિ દર વખતે યોગ્ય વાતાવરણ મળવાથી પાકની યોગ્ય રીતે વૃદ્ધિથી ઉત્પાદન પણ વધારે થતું હોવાનું જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ગાભુભાઇ પટેલે જણાવ્યું છે. ચાલુ વર્ષે વરસાદ જ માંડ 27 ટકા પડ્યો હોવાથી ખરીફ પાકના વૃદ્ધિ દર વખતે જ ગરમી પડતા યોગ્ય વાતાવરણ મળ્યું નથી.

આથી મગફળીના પાકમાં તેના નિયત સમયે ફુલ આવે તેજ રીતે ડાંગરના પાકમાં ફુટ થાય પરંતુ યોગ્ય વિકાસ નહી થવાથી ઉત્પાદન ઓછું થાય છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં કુલ 81.77 ટકા વાવેતર થવા પામ્યું છે. આથી ઓછા વરસાદથી ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો તેમજ ઉત્પાદન ઘટવાથી ખેડુતોને આર્થિક માર પડશે તેવી દહેશત ખેડુત રમેશભાઇએ વ્યક્ત કરી છે.

વરસાદ મોડો આવશે તો ખરીફ પાકને નુકસાન
ચાલુ વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવા છતાં ખેડુતોએ બોરકુવાનું પાણી આપીને ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જોકે ખરીફ પાકના વૃદ્ધિ દર સમયમાં યોગ્ય વરસાદ પડ્યો નથી. આથી જો હવે વરસાદ પડે તો ખરીફ પાકને નુકશાન થવાથી ખેડુતોને પડ્યા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...