પ્રોહીબીશનનો ગુનો:સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં કોંગ્રેસ અગ્રણી સહિત દારૂની મહેફિલ માણનાર આઠ મિત્રો વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મ હાઉસ પરથી દારૂની બોટલ, ગ્લાસ તેમજ બાઈટીંગ સહિતના પુરાવા પોલીસે એકત્ર કર્યા
  • શુક્રવારે રાત્રે દારૂની મહેફિલ માણતી વખતે ખૂની ખેલ ખેલાતા પ્રવીણ માણીયાની ગોળી મારી હત્યા કરાઈ હતી

ગાંધીનગર સહિત ભાવનગરમાં ચકચાર મચાવનારા હત્યા પ્રકરણમાં દારૂની મહેફિલ માણી રહેતા તમામ વિરૂદ્ધ પ્રહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં કોંગ્રેસ અગ્રણી પ્રવીણ માણીયાની ગોળી મારી થયેલી નિર્મમ હત્યા પ્રકરણમાં કોંગ્રેસ અગ્રણી સહિત આઠ મિત્રોએ શુક્રવારે દારૂની મહેફિલ માણી હોવાનાં પુરાવા મળી આવતા અંતે સેકટર-7 પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો પણ દાખલ કરી દીધો છે.

ફાર્મ હાઉસમાં અવાર-નવાર યોજાતી હતી મિટિંગ

ગાંધીનગરના ખ-0 રોડ પર આવેલા હડમતિયાંમાં સાડા ત્રણ વીઘા જમીનમાં પાટીદાર સમાજ તેમજ કોંગ્રેસના અગ્રણીએ સામ્રાજય ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. પાટીદાર આંદોલન સમયે મોટાભાગે સરકાર વિરુદ્ધની લડાઈ લડવા માટે સામ્રાજય ફાર્મ હાઉસમાં "પાસ" ની મિટિંગનો ધમ ધમાટ ચાલતો હતો. ત્યારે ભાજપ કોંગ્રેસના કદાવર પાટીદાર નેતાઓ અત્રેના ફાર્મ હાઉસમાં આવતાં હતાં. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બામણીયા સહિતના પાટીદાર સમાજના લોકો મિટિંગ યોજીને સરકારને ભીંસમાં લેવાની રણનીતિ ઘડતાં હતા.

આસપાસના રહીશો પણ તોબા પોકારી ઉઠ્યા હતા

ફાર્મ હાઉસમાં તમામ પ્રકારની અલાયદી સુવિધાઓ પ્રવીણ માણીયા ગોઠવતાં હતા. જેમની આગવી સરભરાથી ઘણાની આંખો પણ પહોળી થઈ જતી હતી. સામ્રાજ્ય ફાર્મમાં અવારનવાર મહેફિલ યોજાતી હોવાથી આસપાસના રહીશો પણ રોજબરોજની ગાડીઓની અવરજવરથી તોબા પોકારી ઉઠયા હતા. પરંતુ મોટા માથા ગાડીઓ લઈને આવતા હોવાથી બિલાડીનાં ગળામાં ઘંટ કોણ બાંધે તેવી સ્થિતિ ઉભી થઈ ચૂકી હતી. ત્યારે શુક્રવારે રાત્રે પણ પ્રવિણભાઈએ તેમના મિત્રો સાથે દારૂની મહેફિલ યોજી હતી. આ મહેફિલમાં કંથારીયા ચુડા સુરેન્દ્રનગરના જયદીપસિંહ કનુભાઈ ગોહિલ તરુણસિંહ અશોકસિંહ ઝાલા, જયરાજસિંહ દિગ્વિજયસિંહ રાણા, ભાવનગર જેસરનાં હરપાલસિંહ જશવંતસિંહ ગોહિલ, જનક અનકભાઈ વિછીયા, અમદાવાદનાં સંતોષ સોડાભાઈ ભરવાડ તેમજ મહેસાણા કડી તાલુકાના જોધપુર ગામના મોહિત અમૃતભાઈ રબારી મહેફિલ માણવા માટે આવ્યાં હતા.

મહેફિલ દરમિયાન થઈ હતી માથાકૂટ

આ દારૂની મહેફિલ દરમિયાન પ્રવિણભાઈ અને જયદીપસિંહ ગોહિલ તેમજ તરુણસિંહ ઝાલા વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં જયદીપસિંહે રિવોલ્વરથી ગોળીબાર કર્યો હતો અને તરુણસિંહે તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી પ્રવીણભાઇનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સેકટર - 7 પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે હત્યાના ગુના બાદ વધુ એક ગુનો દાખલ કર્યો

આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે ફરાર જયદીપસિંહ ગોહિલ અને તરુણસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. સ્થળ પર ડોગ સ્કવોડ અને FSLની ટીમને પણ બોલાવી લેવાઈ હતી. ત્યારે ફાર્મ હાઉસની ઓફિસમાં ત્રણ સોફા વચ્ચે ગોઠવેલી કાચની ટીપોઈ પર વિદેશી દારૂના અડધા ભરેલા ગ્લાસ તેમજ બાઈટિંગ અને દારૂની અડધી બોટલ મળી આવી હતી. જેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા પછી સેકટર - 7 પોલીસે સવારે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ ફરીવાર કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ સહિતના આઠ મિત્રો વિરુદ્ધ પ્રોહીબીશનનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...