શિક્ષકો માટે સારા સમાચાર:પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર, મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધો.1થી 5 અને 6થી 8ના શિક્ષકોની અલગ સિનિયોરિટી ગણાશે
  • પ્રાથમિક શિક્ષકોની બદલીમાં હવે ધોરણ 1થી 8 સળંગ એકમ ગણવામાં આવશે નહીં
  • મહિલા શિક્ષકોની જિલ્લા બદલીમાં નિયુક્તિના સ્થળને બદલે લગ્ન નોંધણીના સ્થળના આધારે લાભ મળશે
  • હવે માત્ર સચિવાલય નહીં, તમામ સરકારી કર્મચારીની શિક્ષક પત્નીને નિમણૂકનાં ત્રણ વર્ષમાં જ બદલીની તક મળી શકશે

રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.1થી 5ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.6થી 8માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યારસુધીમાં ધોરણ.1થી 8ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો.

ધોરણ.6થી 8માં જે-તે સમયે લાયકાતવાળા શિક્ષકો પૂરતા નહોતા
પ્રાથમિક શાળાઓમાં ધોરણ.8નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું. બે ભાગમાં વહેચાયેલી પ્રાથમિક શાળામાં ધોરણ.1થી 5ના શિક્ષકોની ભરતીમાં પીટીસીની લાયકાત નક્કી કરાઈ હતી, જ્યારે ધોરણ.6થી 8માં બી.એડ અથવા તો પીટીસી સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું. જોકે આ પહેલાં માત્ર પીટીસીની લાયકાતથી ભરતી થતી હતી, જેથી ધોરણ.6થી 8માં જે-તે સમયે લાયકાતવાળા શિક્ષકો પૂરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ 1થી 5માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.6થી 8માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.1થી 8નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો.

સચિવાલય સંવર્ગના બિનબદલીપાત્ર કર્મચારી ગાંધીનગરમાં સ્પેશિયલ કેસમાં બદલીની જોગવાઈ
આવા સંજોગોમાં કોઈ શાળામાં વાસ્તવિક રીતે ધોરણ.6થી 8માં ગણિતના શિક્ષકની જગ્યા ખાલી પડી હોય, પરંતુ ત્યાં ધોરણ 1થી 5નો વધારાના શિક્ષક મૂકેલા હોવાથી ત્યાં અન્ય શિક્ષકની બદલી થતી નહોતી. બીજું કે સિનિયોરિટીમાં પણ સળંગ એકમ ગણાતો હતો. હવે નવા નિયમથી વધારાના શિક્ષકને સમાવવાની જોગવાઈ દૂર કરાઈ છે, જોકે ટેમ્પરરી કોઈ શિક્ષકને મૂકવામાં આવે તો તેને બદલી કેમ્પમાં અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવશે. સચિવાલય સંવર્ગના બિનબદલીપાત્ર કર્મચારી કે અધિકારીના પતિ કે પત્ની જે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેમની ગાંધીનગર જિલ્લામાં સ્પેશિયલ કેસમાં બદલી કરવાની જોગવાઈ હતી. જોકે આ નિયમથી અત્યારસુધીમાં માત્ર સચિવાલયના કર્મચારીઓને જ લાભ મળતો હતો.

નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ
જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે.

મહિલાઓનું લગ્ન નોંધણીવાળું સ્થળ જ ધ્યાનમાં લેવાશે
ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે. આ સિવાય જિલ્લાફેર બદલી વખતે મહિલાઓને મોટી રાહત એ મળી છે કે તેમનું પ્રતિનિયુક્તિ દરમિયાનનું સ્થળ નહીં, પણ લગ્ન નોંધણીવાળું સ્થળ જ ધ્યાનમાં લેવાશે.