તંત્ર અને લોકો ચૂપ:ગાંધીનગરમાં સે-21 શોપિંગમાં દબાણ તથા ગેરકાયદે બાંધકામોનો રાફડો: વાહનચાલકો, શહેરીજનો ભારે પરેશાન

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટનગરના સેક્ટર-21 શોપિંગ સેન્ટરમાં પાર્કિંગમાં દબાણો અને રસ્તા પર ગાડીઓ જોવા મળે છે જેના કારણે લોકોને મુસીબત પડી રહી છે. - Divya Bhaskar
પાટનગરના સેક્ટર-21 શોપિંગ સેન્ટરમાં પાર્કિંગમાં દબાણો અને રસ્તા પર ગાડીઓ જોવા મળે છે જેના કારણે લોકોને મુસીબત પડી રહી છે.
  • ઈંડા-નોનેવેજની લારીઓ મુદ્દે ચર્ચા સામે આવતા ગાંધીનગરના રેકડીવાળા નાના વેપારીઓમાં ભય
  • પાર્કિંગોમાં દબાણો,ગાડીઓ રસ્તા પર મૂકવા મજબૂર બનતા વાહનચાલકો

રાજ્યમાં તાજેતરમાં ઈંડા-નોનેવેજની લારીઓ મુદ્દે રસ્તાઓ પરના લારી-ગલ્લાના દબાણોની ચર્ચા સામે આવતા રસ્તાઓ પર રેકડીઓ ચલાવીને ગુજરાન કરતાં અનેક નાના વેપારીઓ ભય પેસી ગયો હતો. જોકે કોઈ રીતે સમગ્ર મુદ્દો ઠંડો પડતાં નાના વેપારીઓને હાશકારો છે.

નાના વેપારીઓના દબાણો મુદ્દે થયેલી ચર્ચાઓ અને રજૂઆત વચ્ચે મોટા વેપારીઓના દબાણો અને ગેરકાયદે બાંધકામો સામે કોઈ કઈ બોલતું નથી. ગાંધીનગર શહેરની જ વાત કરીએ તો અહીં સૌથી મોટા માર્કેટ એવા સેક્ટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર ખાતે અનેક સ્થળે મોટા વેપારીઓ દ્વારા ફૂટપાથ અને પાર્કિંગમાં જ દબાણો કરી દેવાયા છે. કેટલાક સ્થળે તો પાર્કિંગમાં ખાણી-પીણીના ટેબલો અને ગાડીઓ રસ્તા પર જોવા મળે છે. ત્યારે આવા દબાણો સામે કોઈ પગલાં લેવાયા હોવાનું અત્યાર સુધી ધ્યાને આવ્યું નથી. તહેવારોમાં ફટકડા સહિતના સ્ટોલ માટે નાના વેપારીઓને કચેરીઓના ધક્કા ખાઈ-ખાઈને લાયસન્સ લેવા પડે છે જેનાથી વિપરિત મોટા વેપારીઓ વિશાળ મંડપો બાંધીને લાખોનો વેપાર કરી લેતા હોય છે.

સે-21માં છતો પર અનેક સ્થળે શેડ સહિતના બાંધકામો છતાં તંત્રની ચૂપકિદી
સેક્ટર-21 શોપિંગ ખાતે અનેક સ્થળે દુકાનો અને કોમ્પ્લેક્ષો પર મોટા-મોટા શેડ જોવા મળે છે. જ્યાં મોટા વેપારીઓના સામાનથી લઈને મજૂરોને રહેવા સુધીની વ્યવસ્થાઓ ઉભી કરી દેવાઈ છે. સુરતમાં આ પ્રકારના ગેરકાયદે બાંધી તણાયેલા શેડમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં આગ લાગતા બાળકોના મોત થયા હતા. ત્યારે સેક્ટર-21 ખાતે તાણી બંધાયેલા શેડ કોની મંજૂરીથી બન્યા હશે તે એક સવાલ છે.

બેઝમેન્ટમાં જ આખો મોલ ધમધમે છે!
સેક્ટર-21 ખાતે અનેક સ્થળે બેઝમેન્ટમાં જ દુકાનો અને એક સ્થળે તો આખેઆખો મોલ ધમધમે છે. સામાન્ય રીતે બેઝમેન્ટમાં પાર્કિંગ અને ગોડાઉન બનાવવા સિવાય કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. ત્યારે અહીં ચાલતો મોલ કોની રહેમનજરથી ચાલે છે તે પણ એક સવાલ છે. બેઝમેન્ટમાં હવાની અવરજવર યોગ્ય ન હોવાથી આવા સ્થળો કોરોના સંક્રમણ માટે પણ જવાબદાર બને તો નવાય નહીં.

નવા પાર્કિંગ પ્લેસમાં જ લોકોને બેઠકો
સેક્ટર-21 ખાતે બનેલા નવા પાર્કિંગ પ્લેસમાં ટુ વ્હીલર માટે બનેલા પાર્કિંગમાં મોટાભાગે લોકો વાહન મુકતા નથી. જેને પગલે અહીં આસપાસના ચાની કીટલીઓ અને વેપારીઓને ત્યાં આવતા લોકોને બેઠકો જામી જાય છે.

અન્ય સમાચારો પણ છે...