રજૂઆત:અનોડિયામાં રોડ અને પેવર કામ કરવા ધારાસભ્યને રજૂઆત કરી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતે ધારાસભ્યને લેખિત કરી યોગ્ય કરવા જણાવ્યું

જિલ્લાના માણસા તાલુકાના અનોડિયા ગામમાં માળખાકીય સુવિધાના ભાગરૂપે રોડ અને પેવર કામ કરવા અનોડિયા ગ્રામ પંચાયતે ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં ગામના સુરઘેલાભાના મંદિર, મહાકાળી મંદિરના રોડ તેમજ નાગણેશ્વરી માતાજી મંદિરમાં પેવર બ્લોક નાખવાની માગણી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડાના લોકોને પણ શહેરી વિસ્તાર જેવી માળખાકીય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો બ્રેક સાથે થઇ રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડિયા ગામમાં આવેલા મંદિરોમાં જવા માટે રોડ બનાવવાની માગણી છેલ્લા એકાદ વર્ષથી કરવામાં આવી રહી છે. પરંતુ ગ્રામજનોનો અવાજ સાંભળવામાં જ આવતો નથી. જેને પરિણામે ગ્રામજનો દ્વારા સ્થાનિક ધારાસભ્યને લેખિત રજૂઆત કરીને ગામમાં રોડ અને પેવર બ્લોકની કામગીરી કરવાની માગણી અનોડિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.

જેમાં અનોડિયા ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ અનોડિયા ગામના વચલાવાસ વિસ્તારમાં આવેલા સુરઘેલાભાનું મંદિર લોકોની આસ્થાનું પ્રતીક હોવાથી અનેક લોકો દર્શનાર્થે આવતા હોવાથી મંદિર સુધી રોડનું કામ કરવાની માંગણી કરી છે. તેજ રીતે મહાકાળી માતાજીના મંદિર પણ દર રવિવાર અને મંગળવારે લોકો દર્શને આવતા હોવાથી અવર જવરમાં તકલીફ પડે નહી તે માટે આરસીસી રોડ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં ગામના રવિનગર વિસ્તારમાં આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરે લોકો બાધા-માનતા કરવા આવતા હોય છે. આથી મંદિરના પટાંગણમાં પેવર બ્લોક નાંખવાની માંગણી અનોડિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોવાથી તેઓને થતી મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...