રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓના બનેલા મહામંડળે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના પડતર પ્રશ્નોને લઇને આંદોલન કર્યું હતું. આ સમયે રાજય સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. હવે નવી સરકારને સત્તાનું સુકાન સંભાળી લેતા ગુજરાત રાજય બોર્ડ-નિગમ અને સરકારી સાહસોના કર્મચારી મંડળે મુખ્યમંત્રી સમક્ષ તેમના પડતર પ્રશ્નોને લઇને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં તેમણે એક મહિના પછી વાટાઘાટો કરવાની ખાતરી આપી હોવાનું કર્મચારીઓનું કહેવું છે.
રાજ્ય વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્ય સરકારે જે ખાતરી આપી હતી, તે પૂરેપૂરી પુરી થઇ નથી. રાજ્યના 32 નિગમને સાતમું પગાર પંચ આપ્યું પણ હજુ ગુજરાત ઘેટા ઉન વિકાસ નિગમ અને ગુજરાત રાજય નાણાકીય નિગમ સહિત 5 નિગમને સાતમું પગાર પંચ આપવાનું બાકી છે. આ ઉપરાંત બોર્ડ-નિગમના કર્મચારીઓની મુખ્ય માગણી એવી છે કે, જે રીતે પંચાયતના કર્મચારીઓને સરકારી કર્મચારી સમકક્ષ ગણવામાં આવ્યા છે તે રીતે બોર્ડ-નિગમના કર્મચારીઓને પણ સરકારી કર્મચારી સમકક્ષ ગણીને તે કર્મચારીઓને અપાતા લાભ જેવા જ લાભ આપવા જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.