ગુજરાત સરકાર દ્વારા બિન અધિકૃત બાંધકામોને નિયમો અનુસાર અધિકૃત કરવાના બહાર પાડવામાં આવેલા વટ હુકમનો રાજયના પાટનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતાં એન્જિનિયર એસોસિએશને ધારાસભ્ય રીટાબેન પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે ભલામણ કરવામાં આવી છે.
રાજયમાં બિન અધિકૃત બાંધકામના માર્જીન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર કરવાનો વટ હુકમ સરકારે જાહેર કર્યો છે. જે અન્વયે આ નિર્ણય તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિસ્તાર સત્તામંડળો અને નગરપાલિકાઓને લાગુ પાડવામાં આવ્યો છે. જો કે રેરા કાયદા હેઠળ બે બાંધકામોને નોટીસ આપેલ હશે તેને આ નિર્ણય લાગુ નહીં પડે. પહેલી ઓક્ટોબર પહેલાં થયેલા બિનઅધિકૃત બાંધકામોને જ નિયમિત કરી શકાશે.
આ કાયદા અન્વયે ઈમ્પેક્ટ-2022 અંતર્ગત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા ગાંધીનગરના સેક્ટરમાંથી 270 અરજીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી છે. જેમાં 85 અરજીઓમાં પ્રાઈમરી ફી જ ભરાઈ નથી. જેને પગલે કોર્પોરેશન દ્વારા 185 જેટલી અરજી પર કામગીરી આગળ વધી શકી છે. જેમાં 108 અરજીઓ અધૂરી વિગત કે ડોક્યુમેન્ટ્સ માટે અરજદારોને પરત મોકલી દેવામાં આવી છે.
ગાંધીનગર શહેર વિસ્તારમાં અઢી મહિનાના ગાળામાં 270 જેટલી અરજીઓ આવી છે. શહેરમાં સૌથી વધુ અરજીઓ સેક્ટર-1, 2 અને 3 સહિતના વિસ્તારમાંથી આવી છે. જો કે ઉક્ત વટ હુકમને લઇને સમયસર કામગીરી નહી થતાં એન્જિનિયર એસોસિયેશન અને અરજદારો દ્વારા ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.
જેનાં પગલે ધારાસભ્ય રીટાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં બિનઅધિકૃત મિલ્કતોને નિયમિત કરવા અંગેના વટહુકમ-2022ને રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવેલ છે. આ કાયદાના સંદર્ભમાં મહાનગરપાલિકામાં આજ દિન સુધી એક પણ કેસનું નિરાકરણ થયેલ નથી તે અંગેની ઘણી બધી રજૂઆતો એન્જિનિયર એસોસિએશન તેમજ અરજદારો દ્વારા આવી છે. જેથી કરીને આ કાયદાનો મહાનગરપાલિકા ખાતે સરળ અને સુગમ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને સરકારના આ પ્રજા લક્ષી નિર્ણયનો લોકો મહત્તમ લાભ લઈ શકે એવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી કરવા કરવા ભલામણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.