રાજ્ય સરકારે હવે વિભાગોમાં ખાલી જગ્યાઓ પર નવી ભરતી કરવાનું આયોજન હાથ ધર્યું છે. જેના પગલે આગામી બજેટમાં મોટી સંખ્યામાં નવી ભરતી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી વિભાગો અને બોર્ડ- નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી હતી.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ સરકારી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ અને બોર્ડ- નિગમોમાં વર્ગ-1થી 3માં કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો દરેક વિભાગો પાસેથી મંગાવવામાં આવી છે. ક્યા સંવર્ગમાં કેટલી જગ્યા ખાલી છે તેની વિસ્તૃત માહિતી આવ્યા બાદ ખાલી જગ્યાઓ પર ભરતી અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત ભરતીઓ ચાલું રહી છે પરંતુ તેની સામે નિવૃત્ત થનાર કર્મચારીઓની સંખ્યા વધારે હોવાથી ખાલી જગ્યાનો આંકડો વધારે છે. ટેક્નોલોજી અને ઓનલાઇન સિસ્ટમ અપનાવીને સરકારે મેનપાવર ઘટાડવા વિભાગોને સૂચના આપી છે ત્યારે ક્યા સંવર્ગની કેટલી જગ્યાઓ ખાલી છે અને તેમાંથી તાત્કાલિક કેટલી જગ્યા ભરવા પાત્ર છે તે અંગે બજેટ પહેલા નિર્ણય લેવામાં આવશે. ખાલી જગ્યાઓ આગામી વર્ષોમાં તબક્કાવાર ભરવાનુ આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વિભાગોમાં હાલના મહેકમ અને ખાલી જગ્યાઓ અંગે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 20 લાખ રોજગાર સર્જનનું વચન આપ્યું હતું.
આઉટસોર્સિંગ સ્ટાફની પણ સમીક્ષા કરવામાં આવી
હાલ સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ પર આઉટસોર્સીંગથી કર્મચારીઓ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વર્ગ-4ના તમામ કર્મચારીઓ આઉટસોર્સથી લેવાની નીતિ અપનાવાઇ છે. દરેક વિભાગો અને કચેરીઓમાં ડ્રાયવર, પ્યુન અને લિફ્ટમેનની કેટલી જગ્યા આઉટસોર્સથી ભરાઇ છે તેની વિગતો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા માંગવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.