તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર દબાણમાં કે મજબૂરી?:પ્રવીણા ડી.કેને 10 જ દિવસમાં ફરી પાછાં કચ્છનાં કલેક્ટર બનાવાયાં, ભાજપના ટોચનાં નેતા અને વગદાર બાબુઓએ સમીકરણ ફેરવ્યાની ચર્ચા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કેની તસવીર - Divya Bhaskar
કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કેની તસવીર
  • 10 દિવસની અંદર બદલીનો હુકમ રિવર્સ કરાયો, કચ્છી રાજકારણીઓને રાહત

હજુ દસ દિવસ પહેલાં જ ગુજરાતના આઇએએસ અધિકારીઓની બદલીમાં કચ્છના કલેક્ટર ડી કે પ્રવીણાને બદલીને પંચમહાલ કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા અને તેમના સ્થાને સુજલ માયાત્રાની નિમણૂંક થઇ, પણ મંગળવારે જ આ ઓર્ડરમાં ફેરબદલી કરીને પ્રવીણાને કચ્છ કલેક્ટર તરીકે પર મૂકાયાં છે. આ બદલી પાછળ ગુજરાત સરકાર તેમજ ભાજપ સંગઠનના ઉચ્ચ નેતાઓ અને વગદાર બાબુના આંતરિક સમીકરણોને કારણે પ્રવીણાને કચ્છમાં મુકાયા છે.

પહેલાં પછાત વિસ્તારમાં બદલી કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના એક મોટા નેતાના ખાસ વ્યક્તિ હાલ કચ્છમાં પોર્ટ, ખનીજ અને અન્ય ઘણાં ધંધા સાથે સંકળાયેલા છે અને તેઓ પ્રવીણા ડીકે સાથે મળીને ધંધાનો વિકાસ કરતા હતા. તેમાંય કોરોનાકાળ દરમિયાન પ્રવીણાએ નેતાના આ ખાસ વ્યક્તિનો પડ્યો બોલ ઝીલીને કામગીરી કરી હતી. પરંતુ થોડા સમયથી તેમની વચ્ચેના સમીકરણો થોડાં જુદાં બન્યા હતા અને તેને કારણે જ પ્રવીણાની પંચમહાલ જેવા પછાત વિસ્તારમાં બદલી થઇ ગઇ હતી. તેની સામે રાજ્ય સરકારના એક ખૂબ મોટા અધિકારી પ્રવીણાને સંરક્ષણ પૂરું પાડે છે અને તેમની બદલી પણ તેમને ખાસ માફક ન આવી. તેમાંય નવા મૂકાયેલાં માયાત્રા હરિફ જૂથના નેતાના ખાસ હોવાનો અહેસાસ થતાં જ આ બદલી હુકમ ફેરવી દેવાયો છે.

કચ્છ કલેક્ટરની બદલી વિવાદોમાં જ રહી છે
અગાઉ રેમ્યા મોહન કચ્છ કલેક્ટર હતાં તેમને સ્થાને એમ નાગરાજન કચ્છ કલેક્ટર બન્યાં હતાં. પરંતુ તેમના વિશે ઉચ્ચકક્ષાએ સ્થાનિક લોકોએ ફરિયાદો કરતાં માત્ર સાડા ત્રણ મહિનાના ગાળામાં જ નાગરાજનને બદલે પ્રવીણાને કચ્છ કલેક્ટર તરીકે મુકાયાં હતાં. હવે પ્રવીણાની બદલી પાછી ખાંચાઈ છે.

શું કહે છે કચ્છના સત્તા પક્ષના પાંચ ધારાસભ્યો
સત્તાપક્ષના ધારાસભ્યોની ફાઇલો અટકી પડી હોવાથી નવા કલેક્ટર મયાત્રાની બદલી કરી ફરીથી પ્રવીણા ડી.કે.ને પરત મુકાયા હોવાની અટકળો સાથેની અફવા દિવસ દરમ્યાન વહેતી થઇ હતી. જો કે, આ મુદ્દે ભાસ્કરે પાંચેય ધારાસભ્યોનો સંપર્ક કરતાં તેઅોઅે સ્વાભાવિક રીતે આ વાતને ખોટી ઠેરવી આ મુજબ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

  • વાસણ આહીર: વહીવટી કારણોસર જ બદલી થઇ છે, બીજું કોઇ કારણ નથી.
  • ડો. નિમાબેન આચાર્ય: મને ખબર નથી, હું ગાંધીનગર જાહેર સાહસની વૈધાનિક સમિતિની મીટિંગમાં હતી.
  • માલતીબેન મહેશ્વરી: હું સંબંધીના લગ્ન પ્રસંગમાં મુંબઇ હતી, ગાંધીનગર ગઇ નથી અને મારા ધ્યાનમાં આવું કંઇ નથી.
  • પ્રદ્યુમનસિંહ જાડેજા: હું ગાંધીનગર ગયો જ નથી અને કયા કારણોસર બદલી થઇ તે મને ખબર નથી.
  • વીરેન્દ્રસિંહ જાડેજા: આવું કંઇ નથી, હું મુંબઇ છું અને ગાંધીનગર ગયો જ નથી.

ખોટી વાત છે, બદલીના અાદેશ દિલ્હીથી થતા હોય છે
સૂત્રોનું માનીએ તો કચ્છ ભાજપની બે જૂથ લોબી દ્વારા કલેક્ટર-કલેક્ટરની બદલીની રમત રમાઇ હોવાનું કહેવાય છે. જો કે, અચા અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે આ વાતને ખોટી ઠેરવી જણાવ્યું હતું કે, આઇ.પી.એસ., આઇ.એ.એસ. અધિકારીની બદલીના આદેશ દિલ્હીથી કેન્દ્ર સરકાર દ્વારા થતા હોય છે. પ્રવીણા ડી.કે. કલેક્ટર તરીકે હતા ત્યારે અમે બધા ખભેખભા મિલાવીને સાથે કામ કર્યું છે અને સંકલનની બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર હતા ત્યારે બદલીનો આદેશ આવ્યો હતો અને ફરીથી તેમને કચ્છ કયા કારણોસર મુક્યા તે દિલ્હી અને સરકારનો વિષય છે.

ડીઆરડીએના નિયામક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બદલાયા
​​​​​​​​​​​​​​
ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (સેવા)ના અડિશનલ સેક્રેટરી અશોક દવે દ્વારા તા.29-6ના 79 અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે. જોષીની પોરબંદરના નિવાસી અધિક કલેક્ટર તરીકે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિની બઢતી સાથે સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે બદલી કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છના નિયામક તરીકે ગાંધીનગરના નિવાસી અધિક કલેક્ટર એચ.એમ. જાડેજાને મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...