ગાંધીનગર કોંગ્રેસ અગ્રણીની હત્યા:સામ્રાજય ફાર્મના માલિક પ્રવીણ માણીયાએ દેવુ વધી જતાં પૂર્વ મામલતદારને ઘર અને ઓફિસ લખી આપવા પડ્યા હતા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવીણ માણીયાએ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા હતા
  • વીરમ દેસાઈ પાસેની અપ્રમાણસર મિલ્કતમાં એસીબીએ ગાંધીનગરમાં દરોડા પાડયા હતા

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયાં વિસ્તારના સામ્રાજય ફાર્મ હાઉસમાં ગઈ મોડી રાત્રે દારૂની મહેફિલ દરમિયાન કોંગ્રેસ અગ્રણી પ્રવીણ માણીયાની ગોળી મારીને કરપીણ હત્યા કરી બે મિત્રો ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે આર્થિક ભીંસમાં આવી ગયેલા પ્રવીણ માણીયાએ એસીબીના સકંજામાં ફસાયેલા કરોડપતિ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. જેનાં પરિણામ સ્વરૂપ પ્રવીણભાઇને સેક્ટર-11 માં આવેલી દુકાન તેમજ સેકટર-7 નું ઘર પૂર્વ મામલતદારને લખી આપવાની નોબત આવી હતી.

મૃતક પ્રવીણ માણીયા ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી બે વખત કોંગ્રેસ તરફે લડ્યા અને હાર્યા
ગાંધીનગરનાં સિદ્ધરાજ ઝેડ પ્લસમાં રહેતા પ્રવીણભાઈ માણીયા ભાવનગરમાં રાજકીય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતા હતા. જેમને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે પણ સારો એવો ઘરોબો હતો. જેનાં ફળ સ્વરૂપ પ્રવીણભાઈ ભાવનગર ખાતે જિલ્લા પંચાયતની ચૂંટણી બે વખત કોંગ્રેસ તરફે લડ્યા હતા, પરંતુ બંને વખત તેઓ ચૂંટણી હારી ગયા હતા.

આ પણ વાંચો:દારૂની મહેફિલમાં ગોળીબાર,કોંગ્રેસના નેતાની ગોળી મારી હત્યા કરી

પ્રવીણ માણીયા જમીન દલાલીનો ધંધો પણ કરતા હતા
મૂળ સિહોર તાલુકાના નાના સૂરકા ગામના પ્રવીણભાઈ જમીન દલાલીનો ધંધો કરતા હતા. જેનાં કારણે તેમને ગાંધીનગરના નાના મોટા જમીન દલાલો સાથે પણ સંપર્ક રહેતો હતો. કરોડો રૂપિયાની જમીનના સોદા કરતા પ્રવીણભાઈ ભૂતકાળમાં સેકટર-7માં એક પૂર્વ ધારાસભ્યનાં ઘરની પાછળ રહેતા હતા અને આજ લાઈનમાં કરોડપતિ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈનું પણ મકાન આવેલું છે.

પૂર્વ મામલતદાર વીરમ દેસાઈ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા હતા
વીરમભાઈ પણ જમીન લે વેચ તેમજ વ્યાજનો ધંધો ચલાવી રહ્યા હતા. ત્યારે ભૂતકાળમાં આર્થિક તંગી સર્જાતા પ્રવીણભાઈએ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લેવાની નોબત આવી હતી.

દેવુ ભરાયું અને દીકરીના ઘડિયા લગ્ન લેવાયા
લાખો રૂપિયા વ્યાજે લીધા પછી પણ લેણદારોનું દેવું ભરપાઈ થઈ શકે તેમ હતું નહીં. એવામાં પ્રવિણભાઈની દીકરીનાં ઘડિયા લગ્ન લેવાયા હતા. જોકે, લાખો રૂપિયાના દેવા નીચે ડૂબેલા પ્રવીણભાઈને પોતાનું સેકટર-7 વાળુ મકાન તેમજ સેકટર-11 માં આવેલી દુકાન વેચ્યા પછી પણ દેવું ભરપાઈ થઈ શકે તેમ ન હતું, પરંતુ આર્થિક તંગીમાંથી મહદ્ અંશે બહાર આવી શકાય તેમ હતું.

દેવુ ભરાતાં દુકાન અને મકાન આપી દીધા
વ્યાજે લીધેલા રૂપિયા પણ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈને ચૂકવવાના હોઈ તેમણે સેકટર-7નું મકાન અને સેકટર-11ની દુકાન આપ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. જેનાં પગલે મને ક મને પણ પ્રવિણભાઈ બન્ને પ્રોપર્ટી પૂર્વ મામલતદાર વીરમ દેસાઈને વેચી દેવી પડી હતી. જે પૈસામાંથી વીરમ દેસાઈને વ્યાજ મુદ્દલના રૂપિયા ચૂકવી દઈ ઉપરના પૈસા આવતા પ્રવીણભાઈએ તેમની દીકરીના ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હતા.

પ્રોપર્ટી વેચ્યા પછી દીકરીના લગ્ન કર્યા અને સરગાસણ સિદ્ધરાજ ઝેડ પ્લસમાં ફલેટમાં રહેવા લાગ્યા હતા. તેમજ સામ્રાજય ફાર્મ હાઉસ કોઈ દરબાર સાથે સારો સંબંધ હોવાના કારણે તેઓ તેનું સંચાલન તેમજ વહીવટ કરતા હતા અને મોટા માથાઓ બોલાવી વૈભવી પાર્ટી અવારનવાર ગોઠવી મોટા જમીનના સોદા પાર પાડતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

આ પણ વાંચો:પ્રવીણ માણીયાએ સાડા ત્રણ વીઘા જમીનમાં પોતાનું સામ્રાજ્ય ફાર્મ બનાવ્યું હતું

પૂર્વ
મામલતદાર વીરમ દેસાઈ અત્યાર સુધીના સૌથી ભ્રષ્ટ કર્મચારી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એસીબીના ઇતિહાસમાં સરકારી કર્મચારી પાસેથી આટલા મોટા પ્રમાણમાં અપ્રાણસર મિલકત પકડાઈ હોય એવો આ પ્રથમ કેસ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈ પર નોંધાયો છે. વિરમ દેસાઈને સરકારમાં અત્યાર સુધીના સૌથી ભ્રષ્ટ કર્મચારી ગણાવાઈ રહ્યા છે.

વિરમ દેસાઈએ કેવો ભ્રષ્ટાચાર કર્યો છે તેનો પુરાવોએ છે કે, તેમની પાસે 11 તો મોંઘીદાટ લક્ઝુરીયસ કાર્સ છે. અંબાણી કે અદાણી જેવા દેશના ટોચના ધનિકો પાસે જ હોય એવી લકઝ્યુરીયસ કાર્સ વિરમ દેસાઈ પાસે છે.

વિરમ દેસાઈ પાસેથી લગભગ 44 કરોડ રૂપિયાની મિલકત ACBને મળી હતી
વિરમ દેસાઈ પાસે ભારતમાં મળતી તમામ લકઝ્યુરીયસ કાર્સ છે એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. જોકે, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી લગભગ 44 કરોડ રૂપિયાની મિલકતો ઝડપતાં ખળભળાટ મચી ગયો હતો. વિરમ દેસાઈ પાસે 11 દુકાનો, કરોડોના પ્લોટ સહિત કુલ રૂપિયા 33.47 કરોડની બેનામી મિકલતો મળી આવી હતી. જે એસીબીના સકંજામાં આવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ સામ દામ દંડ અને ભેદની નીતિથી એસીબીની પકડમાં આવ્યા ન હતા. ઉલ્ટાનું સમય જતાં એવું પ્લેટ ફોર્મ તૈયાર કરી દેવાયું હતું કે તેમને કોર્ટમાંથી આગોતર જામીન મળી જાય. અને થયું પણ એવું જ છે.

આજ વીરમ દેસાઈ પાસેથી પ્રવીણભાઈએ લાખો રૂપિયા વ્યાજે લીધા પછી દેવું ભરપાઈ કરવાની પળોજણથી કંટાળીને તેમણે બંને પ્રોપર્ટી વેચવાનો વખત આવ્યો હતો. અને આ પ્રોપર્ટી ખરીદનાર બીજું કોઈ નહીં પણ પૂર્વ મામલતદાર વીરમ દેસાઈ જ છે.

મૃતક પ્રવીણ માણીયાના પરિવારની માહિતી
કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈના પરિવારમાં પત્ની હંસાબેન અને એક દીકરી જીગી છે. જે હાલમાં યુએસએ છે અને તેને સાડા સાત માસનો ગર્ભ છે. જેમનો પુત્ર અવારનવાર ઘર ત્યાગ કરીને જતો રહેવાની ટેવ વાળો હોવાનું પણ પરિચિત કહી રહ્યા છે . જેની પત્નીનું નામ વિશ્વા છે. પોલિટિકલ કનેક્શનના કારણે પૈસા આવતા જતા રહેતા હતા. જેમણે પોતાની પ્રોપર્ટી આશરે સાડા ત્રણ કરોડમાં પૂર્વ મામલતદાર વીરમ દેસાઈને વેચી હતી. જેમાથી આશરે દોઢ કરોડ રૂપિયાના સરગાસણ આશકા હોસ્પિટલ સામે સિદ્ધરાજ ઝેડ પ્લસમાં ફ્લેટ ખરીદ્યો હતો.

ગઈકાલે પણ પુત્રએ સાડા દસ વાગ્યાના અરસામાં તેના પરિચિતને ફોન કરીને પપ્પાને ગોળી મારી દીધાની જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર ઈસમો કેમેરામાં કેદ થયા છે. મહેફિલ માણ્યા પછી ચાર મિત્રો નીકળી ગયા હતા પછી ફાયરીંગની જાણ થતાં પરત ફર્યા હતા. તે વખતે સંતોષ ભરવાડ બે હુમલાખોરોને પકડવાની કોશિશ કરતો હતો. જેમાં તેને પણ ઈજાઓ થઈ હતી. બાદમાં પ્રવીણભાઈને નજીકની આશકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...