તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારે ‘વોટ’ પહેલાં ‘ભથ્થું’ વહેંચ્યું:ગાંધીનગરની ચૂંટણીની જાહેરાત એક કલાક પાછળ ઠેલાવી સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી દીધી

ગાંધીનગર19 દિવસ પહેલા
નીતિન પટેલે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
 • મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો જાહેર હવે કુલ 28 % ભથ્થું જુલાઇથી ચૂકવાશે
 • ગુજરાતના 9.61 લાખ કર્મચારી, પેન્શનરોને લાભ, 378 કરોડનો બોજો
 • ચૂંટણીની જાહેર થતાં અગાઉ સરકારે 73 કર્મચારીને પ્રમોશન પણ આપી દીધું
 • ઓક્ટોબર માસના પગારની સાથે એરિયર્સની રકમ પણ ચૂકવવામાં આવશે

સરકારી કર્મચારીઓ અને નિવૃત્તોના શહેર ગણાતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતના એક કલાક પહેલાં સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવાની જાહેરાત કરીને બે મહિના વહેલી દિવાળી કરાવી દીધી છે. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની વસતિ વધારે હોવાથી અત્યારસુધી રોકી રખાયેલો મોંઘવારી ભથ્થાનો વધારો ચૂંટણી ટાણે કરીને તેમને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકા અને અન્ય ત્રણ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત માટે રાજ્ય ચૂંટણીપંચે સાંજે 4 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી. બપોરે 3.40 વાગ્યે ફરી માહિતી ખાતા મારફત મેસેજ મોકલાયો કે પ્રેસ-કોન્ફરન્સ એક કલાક મોડી 5 વાગ્યે રાખવામાં આવી છે. આ સમયનો લાભ લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાંજે 4 વાગ્યે ગાંધીનગર ટાઉનહોલનું 17.21 કરોડના ખર્ચે રિનોવેશનના કામનો પ્રારંભ કરાવી દીધો હતો અને આ જ સ્થળેથી તેમણે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

કર્મચારીઓને આ રીતે ચૂકવાશે મોંઘવારી ભથ્થું

 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે, જે મુજબ હવે કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
 • 1લી જુલાઇની અસરથી કર્મીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે. સપ્ટેમ્બર માસના પગારની સાથે 27 ટકા મોંઘવારી ભથ્થું મળશે, જ્યારે એરિયર્સ બે તબક્કામાં અપાશે.
 • જે મુજબ જુલાઇ માસમાં મળવાના થતા મોંઘવારી ભથ્થાના એરિયર્સની રકમ ઓક્ટોબર માસના પગારની સાથે, જ્યારે ઓગસ્ટ માસના એરિયર્સની રકમ જાન્યુઆરી 2022ના પગારની સાથે ચૂકવવામાં આવશે.
 • રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારી અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે.

કેટલા પેન્શનર, કેટલા કર્મીઓ, કેટલો બોજો

 • કર્મચારીઓઃ 5,11,129
 • પેન્શનરોઃ 4,50,509
 • માસિક વધારાનું મોંઘવારી ભથ્થુંઃ 378 કરોડ

સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટની તત્કાળ ડીવાયએસઓપદે બઢતી
ગાંધીનગરની ચૂંટણીની જાહેરાતના ગણતરીના સમય પહેલાં સરકારે સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 73 કર્મચારીને ડીવાયએસઓ તરીકે પ્રમોશન આપવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા હતા.

ચૂંટણી કમિશનરનો દાવો, મટીરિયલ તૈયાર ન હોવાથી જાહેરાત મોડી
સરકાર જાહેરાતો કરી શકે એ માટે પ્રેસ-કોન્ફરન્સનો સમય બદલીને ચૂંટણી એક કલાક મોડી જાહેર કરાઇ તેવા પ્રશ્નના જવાબમાં રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે કહ્યું હતું કે પ્રેસ-કોન્ફરન્સમાં આપવાનું ચૂંટણીલક્ષી મટીરિયલ તૈયાર નહીં હોવાથી કોન્ફરન્સનો સમય એક કલાક મોડો કરાયો હતો. સરકારે શું જાહેરાતો કરી એની મને ખબર નથી.