ઝડપી ન્યાય માટેના પ્રયાસ:સાંતેજ દુષ્કર્મ હત્યા પ્રકરણમાં આવતીકાલથી પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી શરૂ , તાત્કાલિક 16 સાક્ષીઓને સમન્સ પાઠવી દેવાયા

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રાત દિવસ એક કરીને માસુમ બાળકીઓને ન્યાય અપાવવા આઠ દિવસમાં 500 પાનાની ચાર્જશીટ સહિતના પુરાવા એકત્ર કર્યા

ગાંધીનગર સહિત ગુજરાતમાં ચકચાર મચાવનાર ગાંધીનગરનાં કલોલ ખાતે માસુમ બાળકીઓનાં અપહરણ, બળાત્કાર પ્રકરણમાં ગાંધીનગર પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ દાખલ કરી ઈતિહાસ રચી દીધો છે. ત્યારે હવે આવતીકાલથી ગાંધીનગરની પોક્સો કોર્ટમાં સમગ્ર પ્રકરણની સુનાવણી શરૂ થવાની છે. જે માટે 16 સાહેદોને સમન્સ પણ મોકલી દેવામાં આવ્યા હોઈ નજીકના દિવસમાં માસુમ બાળકીઓને ન્યાય મળે તેવા અણસાર દેખાય રહ્યા છે.

આ કેસમાં ઝડપી ન્યાયના હેતુથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ધોરણે સુનાવણી હાથ ધરાશે. કેસની વિગતો મુજબ દિવાળીના તહેવારો સમયે બાળકીનું રાંચરડા ગામની સીમમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું અને ધોળકા સબ-કેનાલના પુલ નજીક તેને તરછોડી દેવાઈ હતી. બેસતા વર્ષના દિવસે ખાત્રજ ચોકડી નજીકથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ મોટી ભોયણ નજીક અવાવરુ જગ્યાએથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંને કિસ્સામાં બાળકીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પોલીસે કલોલ તાલુકાના વાંસજડા ગામમાં રહેતા વિજય પોપટજી ઠાકોરને ઝડપી લીધા બાદ તેણે ઘટનાના અઠવાડિયા અગાઉ પણ પાંચ વર્ષની બાળકીને વિકૃતિનો ભોગ બનાવી હોવાનું બહાર આવ્યું હતું. છ વર્ષની દીકરીનો પિતા હોવા છતાં વિજયે પાછલા દસેક દિવસમાં જ ત્રણ બાળકીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. જેમાંથી બેની ઉંમર પાંચ વર્ષ અને એકની ઉંમર ત્રણ વર્ષની હતી.

બાળકીઓ પર બળાત્કાર ગુજારવા ઉપરાંત લૂંટના કેસમાં પણ આરોપી વિજયનું નામ બહાર આવ્યું હતું. આવા વિકૃત અને ખૂંખાર આરોપીને કડકમાં કડક સજા મળે તે માટે ગૃહમંત્રીથી માંડીને કોન્સ્ટેબલ સુધી તમામ સ્તરે પ્રયાસ થયા હતા. જેના પગલે પોલીસે આરોપીની ધરપકડના આઠમા દિવસે તેની સામે 500 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે.

રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટમાં 60થી વધુ સાહેદોને તપાસવામાં આવ્યા છે. આ સાથે 70 જેટલા સીસીટીવી, વીડિયો ફૂટેજ અને ટેકનિકલ-સાંયોગિક પુરાવા ભેગા કરવામાં આવ્યા છે. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટના આધારે 16 જેટલા સાહેદોને સમન્સની બજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...