ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગાંધીનગરમાંથી કપલનાં સળગેલી હાલતમાં મળેલાં કંકાલ, બળી ગયેલી વીંટીનું રહસ્ય અને હત્યારાને શોધવા 35 કેમેરા ફૂટેજની તપાસ

ગાંધીનગર11 દિવસ પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • મળી આવેલી વીંટીની બનાવટ જાણવા રાજ્યના જવેલર્સની દુકાનોમાં તપાસ કરશે
  • આ પ્રકારની વીંટીનું સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં ચલણ હોવાની હકીકત પણ પ્રકાશમાં આવી

ગાંધીનગરના અડાલજ ગામની સીમ નર્મદા કેનાલ જોગણી માતાના બ્રિજથી ઝુંડાલ તરફ જતા રોડ પાસેના ખાડામાંથી પુરુષ-એક સ્ત્રીની હત્યા કરી લાશને સળગાવેલી દીધેલી હાલતમાં મળેલાં કંકાલનો ભેદ હજી અકબંધ રહ્યો છે. આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર પોલીસ દિવસ-રાત આકાશ-પાતાળ એક કરી રહી છે, પણ હજી કોઈ કળી હાથ નહીં લાગતાં પોલીસે કંકાલ પરથી મળી આવેલી વીંટીની તપાસ કરતાં મોટા ભાગે આ પ્રકારની વીંટી પહેરવાનું દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાનું બહાર આવ્યું છે. એને પગલે આગામી દિવસોમાં ગાંધીનગર પોલીસની ટીમો છ ગાડીમાં રવાના થઈ રાજ્યભરના શહેરો ખૂંદી વળશે. તો સાઉથ તરફ સૌથી વધુ ફોકસ કરવામાં આવશે.

દાહોદ અને સૌરાષ્ટ્રની મહિલાઓમાં આવી વીંટી પહેરવાનું વધુ ચલણ
પોલીસ દ્વારા કંકાલ પરથી મળી આવેલી ચાંદીની વીંટીની બનાવટથી માંડીને તેને પહેરવાનું ચલણ કયા શહેરોમાં વધારે હોય છે એની પણ તપાસ કરાઈ છે, જેમાં આ પ્રકારની વીંટી દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવા ઉપરાંત સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે, જેને પગલે પોલીસ ગુજરાતમાં તો વીંટીની તપાસ કરશે. તદુપરાંત સાઉથમાં વધુ ફોકસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

અલગ અલગ ટીમો રાજ્યભરનાં શહેરોમાં રવાના થશે
આ અંગે ગાંધીનગર પોલીસનાં વિશ્વસનીય સૂત્રોએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમો છ ગાડીમાં રાજયભરનાં શહેરોમાં તપાસ અર્થે રવાના થશે. એક ટીમને ત્રણેક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. આ ટીમો ગુજરાતનાં શહેરોમાં જઈને મીસિંગ કપલના રેકોર્ડ ચેક કરશે તેમજ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતનાં જાહેર સ્થળોએ પોસ્ટરો પણ લગાવશે. કંકાલ પરથી મળી આવેલી વીંટી ચાંદીની છે.

જ્વેલર્સની દુકાનોએ પણ તપાસ થશે
વીંટીની બનાવટ જોતાં આ પ્રકારની વીંટી સૌરાષ્ટ્ર, દાહોદ અને રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવાં ઉપરાંત સૌથી વધુ સાઉથ ઈન્ડિયનમાં વધુ ચલણ જોવા મળે છે, આથી ગુજરાતના જ્વેલર્સની દુકાનોએ પણ તપાસ કરાશે તેમજ સાઉથ તરફ વધુ ફોકસ કરવાનું પ્લાનિંગ પણ છે.

ભવિષ્યમાં કામમાં આવે એવા સીસીટીવી ફૂટેજનો બેકઅપ સાચવી રખાશે
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદમાંથી ઝુંડાલ તરફ જતા રોડ પાસેના ખાડામાંથી હત્યા કરીને સળગાવી દીધેલી હાલતમાં કપલનાં કંકાલ મળી આવ્યાં હતાં. બંને કંકાલની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિત 60થી વધુ પોલીસ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અઢળક કેમેરા ચકાસી 35 જેટલા ફૂટેજનો બેકઅપ ડેટા પણ લઈ લીધો છે, જેમાંથી ત્રણેક ફૂટેજ ભવિષ્યમાં કામમાં આવે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ એ પહેલાં કંકાલની ઓળખ પ્રસ્થાપિત થવી અનિવાર્ય છે.

મીસિંગ કપલનાં પરિવારજનો સાથે ટેલિફોનિક સંપર્ક કરાયો
અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસ દ્વારા રાજ્યમાં ગુમ થયેલાં મીસિંગ કપલની છેલ્લા છ મહિનાની ડિટેઇલ મગાવી સ્ક્રૂટિની શરૂ કરવામાં આવી છે, જેમાં એલસીબીની ટીમ દ્વારા મીસિંગ કપલનાં પરિવારજનો સાથે ટેલિફોનિક સંપર્ક કરી વિગતો એકઠી કરાઈ રહી છે, જેમાં પણ હજી ફળદાયી હકીકત મળી નથી.

અન્ય સમાચારો પણ છે...