તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબોને સરકારની ખાતરી:ગૃહમંત્રી સાથે ચર્ચા બાદ GMERSના તબીબોએ હડતાળ મુલતવી રાખી, સરકાર સાથે આજે બપોરે તમામ મુદ્દાઓને લઈને બેઠક યોજાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંદોલનકારી ડોક્ટર સહિત નર્સ સામે કાર્યવાહી કરવા પોલીસકાફલો પહોંચ્યો. - Divya Bhaskar
આંદોલનકારી ડોક્ટર સહિત નર્સ સામે કાર્યવાહી કરવા પોલીસકાફલો પહોંચ્યો.
  • બે ડોક્ટરની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરી છોડી દીધા
  • GMERSના પૂર્વ પ્રમુખને 4 કલાક નજરકેદ રખાયા
  • મોડી રાતે પોલીસકાફલો ઘટનાસ્થળે, સોશિયલ ડિસ્ટન્સિંગના નામે પોલીસે કાર્યવાહી કરી
  • આંદોલન સમેટવા આડકતરી ધમકી આપી હોવાનો આક્ષેપ

જીએમઈઆરએસના તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળના બીજા દિવસે ગુરુવારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસકાફલો ખડકી દેવાયો હતો. દરમિયાન જીએમઈઆરએસના પૂર્વપ્રમુખ ડૉ. ગૌરીશંકરને નજરકેદ કરાયા હતા, જોકે 4 કલાક બાદ તેમને મુક્ત કરી દેવાયા હતા. આ ઘટનાને પગલે તબીબોમાં રોષ ફેલાયો હતો. મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હડતાળિયા તબીબોના 2 પ્રતિનિધિને પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવ્યા હતા. જોકે લાંબી વાટાઘાટો બાદ તબીબોના 2 તથા નર્સિંગ સ્ટાફના 1 મળી 3 પ્રતિનિધિ ગૃહમંત્રીને મળવા પહોંચ્યા હતા.

તબીબોની માગણી પૂરી કરવાની સરકારે આપી ખાતરી
ગઈકાલે મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિયેશનના પ્રતિનિધિઓની મુલાકાત થઇ હતી. મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે ગૃહમંત્રીએ પ્રિન્સિપલ સેક્રેટરી જયંતી રવિ અને કમિશનર જયપ્રકાશ શિવહરેની હાજરીમાં અમારા પ્રશ્નોને ખૂબ જ સારી રીતે સાંભળ્યા હતા. તેમણએ અમને એક ખાતરી આપી હતી કે આપણે તમારી સમસ્યાઓનો ચર્ચાથી ઉકેલ લાવી શકીએ છે તો એના માટે આવતીકાલે 1 વાગે (શુક્રવારે) આપણને વ્યવસ્થિત ચર્ચા માટે મળીએ અને આ સંદર્ભમાં તેમને અમને રિક્વેસ્ટ પણ કરી હતી કે કોવિડના દર્દીઓને રિલેટેડ કામગીરી ચાલુ થઈ જાય. આ તમામ સંજોગો, બાંયધરી અને દર્દીઓના હિતને ધ્યાનમાં લઈને અમે ઘણીબધી ચર્ચાઓ પછી રાતે નિર્ણય પર પહોંચ્યા છીએ કે અમે જેટલી બને એટલી જલદી ડ્યૂટી જોઈન કરી લઈશું અને હડતાળને હાલપૂરતી મુલતવી રાખી છે. આજે બપોરની મીટિંગમાં અમને લેખિતમાં ખાતરી મળી જશે તેવી સૌને આશા છે અને એ પછી આગળ હડતાલ નહીં પાડવી પડે તેવા સંજોગો ઊભા થશે એવું જ સૌ ઈચ્છે છે.

ગઈકાલે ગાંધીનગર સિવિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
નોંધનીય છે કે ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી લેવામાં આવ્યો હતો. આંદોલનકારી કર્મચારીઓને દર્દીઓનાં સગાં પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરતા હોવાની ગર્ભિત ધમકી આપીને આંદોલન સમેટી લેવાની આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવતાં સિવિલ હોસ્પિટલ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

GMERSના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે સામૂહિક હડતાળનું એલાન કર્યું હતું
આખા ગુજરાતની તમામ GMERS હોસ્પિટલના 300 ડૉક્ટર અને 700 નર્સિંગ સ્ટાફે પરમ દિવસે દેખાવો તથા આંદોલન કર્યા, એનાથી સરકારના પેટનું પાણી પણ હલ્યું નહોતું, જેને પગલે ગઈકાલે રાજ્યની ધારપુર, પાટણ, વડનગર, હિંમતનગર, જૂનાગઢ, વલસાડ, બરોડા, અમદાવાદ સોલા તેમજ ગાંધીનગરની GMERS હસ્તકના ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા સામૂહિક હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. આ અંગે નાયબ પોલીસ અધીક્ષક એમકે રાણાએ જણાવ્યું હતું કે રૂટિન કામગીરીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ હાલમાં કોઈની પણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

GMERSના ડીનની કરાઈ હતી ધરપકડ
આ અંગે GMERS ફેકલ્ટી ડોક્ટર એસોસિયેશન પ્રમુખ હિરેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા GMERSના ડીન ડો. ગૌરી શંકર શ્રીમાળીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાચાર ગુજારી ધાકધમકી આપવામાં આવી રહી છે. ત્યારે નાયબ પોલીસ અધીક્ષક એમકે રાણાએ જણાવ્યું હતું કે રૂટિન કામગીરીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આંદોલનકારીઓ કોરોનાકાળમાં પણ રસ્તો રોકીને બેઠા હોવાથી કામગીરી કરવામાં આવી હતી, જેની દર્દીઓનાં સગાંએ ફરિયાદ કરતાં કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં કોઈની પણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.