દારૂની હેરાફેરી:કલોલના અલુવા ગામની સીમમાં પોલીસે ટ્રક અને કાર માંથી 1396 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પીછો કરતા બંને વાહન ચાલકો વાહનો મૂકીને નાસી ગયા
  • પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 17.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલ તાલુકાના અલુવા ગામની સીમમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે એક ટ્રક અને કારનો પીછો કરીને 1396 નંગ વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ 17.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસ પીછો કરતી હોવાથી બંને વાહનના ચાલકો પોતાના વાહનો બિનવારસી હાલતમાં મૂકીને નાસી ગયા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે આપેલી સૂચના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમ કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસીંગની ટ્રકમાં વિદેશી દારૂ ભરીને અલુવા ગામની સીમ તરફ જઈ રહી છે.

જેનાં પગલે એલસીબીની ટીમે વોચ ગોઠવીને અલુવા - વિજાપુર રોડ પર બાતમી વાળી ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ પાછળ પડી હોવાનો અંદાજ આવી જતાં ડ્રાઇવર - ક્લીનર ટ્રક મુકીને નાસી ગયા હતા. જ્યારે અન્ય એક બલેનો ગાડીનો ચાલક પણ ગાડી મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે બંને વાહનોની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની 1396 નંગ બોટલો (કી. રૂ. 2.78 લાખ) મળી આવી હતી. જેનાં પગલે પોલીસે ટ્રક અને કાર સહિત કુલ રૂ. 17.80 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...