માણસા ટાઉનનાં ડુંગરી નાળીયા પાસે ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગાર ધામ ઉપર પોલીસે છાપો મારીને વીસ જેટલા ચેઈનસ્નેચીંગ, ખંડણી, મારામારી ઉપરાંત બે વખત પાસામાં જેલમાં જઈ આવેલા રીઢા ગુનેગાર ભરત ઉર્ફે ડીગરી દશરતજી ઠાકોર સહિત પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી 46 હજાર 760ની રોકડ, બાઈક, મોબાઈલ ફોન સહિત 88 હજારનો મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માણસા પોલીસ મથકના પીઆઈ સુમીત દેસાઈ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, માણસા ટાઉનના ડુંગરી નાળીયા પાસે આવેલ ખુલ્લા ખરાબામાં કેટલાક ઇસમો બેસી પત્તા પાનાનો જુગાર રમી રમાડે છે. જેનાં પગલે પોલીસ ટીમ અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી. જ્યાં પાંચ ઈસમો કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠા હતા. જેઓને કોર્ડન કરીને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે જુગારીઓની પૂછતાંછ હાથ ધરતાં ભરતજી ઉર્ફે ડીગરી દશરતજી ઠાકોર, રાજુ દશરથજી ઠાકોર(બન્ને રહે. કનજીયાપરા, માણસા), વિષ્ણુ લાલાભાઈ રાવળ( રહે, આજોલ), કાળુ રમેશભાઈ દેવીપુજક(રહે. ચારવડ પાસે માણસા) અને દશરથજી ગાંડાજી ઠાકોર (રહે, રીદ્રોલ) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી 46 હજાર 760 રોકડ, નંબર પ્લેટ વિનાની બાઈક, ત્રણ મોબાઈલ મળીને કુલ રૂ. 88 હજારનો મુદામાલ જપ્ત કરી પાંચેય જુગારીઓની ધરપકડ કરી લેવામાં જેલ ભેગા કરી દેવાયા હતા. આ અંગે માણસા પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચેય જુગારીઓ પૈકીનો ભરત ઉર્ફે ડિગરી રીઢો ચેઇન ચેઈનસ્નેચર છે. જેનાં વિરુદ્ધમાં વીસેક ચેઈનસ્નેચીંગનાં ગુના નોંધાયેલા છે. ઉપરાંત રીઢા ચેઇન ચેઈનસ્નેચર સામે ખંડણી, મારામારીના પણ ઘણા ગુના દાખલ થયેલા છે. જે બે વખત પાસામાં જેલમાં જઈ આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.