ગાંધીનગરનાં પેથાપુર - કોલવડા ગામમાં પૂર્વ બાતમીના આધારે પેથાપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ચાર ઈસમોને 13 હજારથી વધુની કિંમતના 66 દોરીના રીલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનુષ્ય તેમજ પશુ પક્ષીઓ માટે ઘાતક એવા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક ઈસમો નિયમોનો ઉલાળિયો કરીને ચાઈનીઝ દોરીનું ખરીદ વેચાણ કરી રહ્યા છે. હાઇકોર્ટે પણ સરકારની આ મામલે ઝાટકણી કાઢવામાં આવી છે. જેનાં પગલે રાજય પોલીસ તંત્ર દ્વારા ચાઈનીઝ દોરાનું વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.
ત્યારે પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાએ પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઈસમોને ઝડપી પાડવા પેટ્રોલીંગ વધારી દઈ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. જે અન્વયે મળેલી બાતમીના આધારે પેથાપુરનાં તરપોજવાસમાં રેડ કરીને બળવંતજી ઉર્ફે બદી ઠાકોરને ચાઈનીઝ દોરીના 13 રીલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
એજ રીતે પાક્કી બાતમી મળતા પોલીસે કોલવડામાં ત્રણ સ્થળોએ દરોડો પાડીને રાજુજી મહોતજી ઠાકોર, દશરથ સુખાજી ઠાકોર અને ભરત કાંતિજી ઠાકોરને કુલ 53 ચાઈનીઝ દોરીના રીલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય ઈસમો સામે પોલીસે ગુનો નોંધી કુલ રૂ. 13 હજારથી વધુની કિંમતની જીવલેણ દોરીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.