ગાંધીનગરના વાવોલથી કોલવડા રોડ પર આવેલ સિદ્ધાર્થ હાઇટ્સવન ફ્લેટના ભોંયતળિયે પાર્કીંગમાં પાર્ક બિનવારસી લોડીંગ રીક્ષામાં સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 165 બોટલો સેકટર - 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર સેકટર - 7 પોલીસ મથક હદ વિસ્તારમાં ચાલતી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ ઇન્સ્પેકટર પરાગ ચૌહાણની સૂચનાથી સ્ટાફના માણસો વાવોલ તરફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમ્યાન બાતમી મળી હતી કે, વાવોલથી કોલવડા તરફ જતા આવેલી સિદ્ધાર્થ હાઇટ્સવન ફ્લેટના ભોંયતળિયાનાં પાર્કિંગમાં પાર્ક લોડીંગ રીક્ષામાં વિદેશી દારૂની પેટીઓ સંતાડી રાખવામાં આવી છે.
જેનાં પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઉક્ત સ્થળે ત્રાટકીને લીલા કલરની લોડીંગ રિક્ષા શોધી કાઢી હતી. આથી પોલીસે રિક્ષાનાં દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બધા દરવાજા બંધ હતા. જેથી રીક્ષાની ઉપરના ભાગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે જોગાનુજોગ રીક્ષાની ચાવી પણ મળી આવી હતી. બાદમાં પોલીસે રિક્ષાનો ખોલીને જોતાં અંદર વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
જોકે, સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂનો જથ્થો ગણવો શક્ય ન હોવાથી પોલીસ લોડીંગ રીક્ષાને ચલાવીને સેકટર - 13 ની ચોકીએ પહોંચી હતી. જ્યાં 14 પેટીમાં અલગ અલગ દારૂની વિદેશી દારૂની 165 બોટલો હોવાની પુષ્ટિ થઈ હતી. આથી પોલીસે બિનવારસી હાલતમાં લોડીંગ રિક્ષામાંથી મળી આવેલ 60 હજાર 387 રૂપિયાની દારૂની 165 બોટલો તેમજ રીક્ષા મળીને કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.