સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ:ગાંધીનગરના મોટા ચીલોડા માર્કેટ યાર્ડમાં પોલીસનો દરોડો, સરકારી અનાજના રૂ. 5.57 લાખના ઘઉં-ચોખાના 580 કટ્ટા સાથે પાંચની ધરપકડ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના મોટા ચીલોડાની માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનમાંથી સરકારી અનાજના જથ્થાનું બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે માર્કેટ યાર્ડની એક દુકાનમાં દરોડો પાડીને કંટ્રોલના ઘઉં-ચોખાનાં 580 કટ્ટા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. 5 લાખ 56 હજાર 800નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સરકારી અનાજનું ઊંચા ભાવે વેચાણ થતું હતું
વિધાનસભાની ચૂંટણી અન્વયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીએ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને પોલીસ મથક હદ વિસ્તારમાં અસરકાર કામગીરી કરવાની સૂચનાઓ આપી છે. જેનાં પગલે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોટા ચિલોડા ખાતે અનાજ માર્કેટમા આવેલી દુકાન નંબર 22 નો માલિક ઓમપ્રકાશ ફુફારામ સુજારામ કુમાવત (રહે.ચિલોડા અનાજ માર્કેટ દુકાન નંબર 24) પોતાની દુકાન ઉપર કેટલાક માણસો રાખી રાહતદરનું સરકારી અનાજ (કંટ્રોલનુ અનાજ) મંગાવીને તે અનાજને તેના ગોડાઉનમાં માર્કાવગરની કોથળીઓમા ભરીને તેને ઉંચા ભાવે વેચવાનો વેપલો કરી રહ્યો છે.

સરકારી ઘઉં-ચોખાના 580 કટ્ટા સાથે દુકાન સીઝ
આ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતાં ઉક્ત દુકાનમાંથી ચોખાના 400 કટ્ટા અને ઘઉંના 180 કટ્ટા મળીને કુલ 540 કટ્ટા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે દુકાન માલિક ઓમપ્રકાશ કુમાવત, પ્રકાશ શંકરભાઇ કનીયાવ(રહે.સાબલા તા.સાબલા જી.ડુંગરપુર રાજસ્થાન), મીઠીયો કાલુ કનીયાવ(રહે.નીઠાવાગામડી તા.સાબલ જી.ડુંગરપુર) પપ્પુ નાનુભાઇ કનીયાવ(રહે.નીઠાવાગામડી તા.સાબલ જી.ડુંગરપુર) અને પંકજ સોદન્તભાઇ કનીયાવ(રહે.પાટીયા તા.પાદડી જી.ડુંગરપુર)ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
અનાજના જથ્થાની હેરફેર માટે બાઈકનો ઉપયોગ કરાતો હતો
આ અંગે ચીલોડા પીઆઈ અસારીએ જણાવ્યું હતું કે, સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. પકડાયેલ દુકાન માલિક અને આરોપીઓની પૂછતાંછમાં અનાજના બીલ કે પાવતી નહીં હોવાનું સામે આવ્યું હતું. જેથી ઘઉના કુલ 180 કટ્ટામાં કુલ 8640 કિ.ગ્રામ ઘઉં તથા ચોખાના કુલ 400 કટ્ટામા કુલ 1,92,00 કિ.ગ્રામ ચોખા મળીને કુલ રૂ. 5 લાખ 56 હજાર 800 ની કિંમતનો જથ્થો સીઝ કરીને પુરવઠા વિભાગને જાણ કરાઈ છે. આ અનાજના જથ્થાની હેરફેર માટે પાંચ મોટર સાયકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...