દહેગામના નાંદોલ-વડવાસા સીમમાં ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા છ ખેલીઓને દહેગામ પોલીસે દરોડો પાડીને ઝડપી લઈ 16 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ-વડવાસા ગામની સીમમાં ગૌચરની જમીનમાં કેટલાક ઈસમો ખુલ્લેઆમ જુગારની બાઝી માંડીને બેઠા હોવાની બાતમી મળતાં દહેગામ પોલીસ દ્વારા અત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને જોઈને જુગારીયોમાં દોડધામ શરૂ થાય એ પહેલાં જ ચારે દિશાથી તમામને કોર્ડન કરી લઈ જેતે સ્થિતિમાં બેસી રહેવાની પોલીસે સૂચના આપી દીધી હતી.
બાદમાં જુગાર રમતાં ખેલીઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ભૂપત રામાજી ઠાકોર, ધર્મેશ રમણજી ઠાકોર, દિનેશ સદાજી ચૌહાણ, વિક્રમ તખાજી ચૌહાણ, વિક્રમ રમણજી ચૌહાણ અને દશરથ દિલીપજી ચૌહાણ (તમામ રહે. સાણોદા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે જુગાર રમતા ઈસમોની અંગ ઝડતી લેતા છ જુગારીઓ પાસેથી કુલ 15 હજાર 700ની રોકડ રકમ મળી આવી હતી.
જુગારની બાઝી પરથી 600 રૂપિયા મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે રોકડ રકમ તેમજ માત્ર ગંજી પાના નંગ-2 જપ્ત કરી છ ખેલાડીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ ઈસમો પાસેથી પોલીસને એકપણ મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.