મહેસાણા જિલ્લામાં ચોરીના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપતો ચોર પેરોલ જમ્પ કરીને છ માસથી નાસતો ફરતો હતો. જેને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈને ફરી પાછો જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના બી ડીવીઝન પોલીસ મથકની હદમાં ચોરીના ગુનામાં અરવિંદ પોરાજી ઠાકોર (રહે કલોલ) ની પોલીસે વર્ષ 2020 માં ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જે ગુનામાં અરવિંદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો.
આ દરમિયાન અરવિંદ ઠાકોર તા. 13 મી મે 2021માં પેરોલ પર છૂટીને જેલની બહાર આવી ગયો હતો. જોકે, નિયત સમય મર્યાદામાં અરવિંદ પરત જેલમાં હાજર થયો ન હતો અને છેલ્લા છ મહિનાથી અલગ અલગ સ્થળોએ સંતાઈને નાસતો ફરતો હતો. ત્યારે ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવનાં માર્ગદર્શન હેઠળ ટીમના માણસોએ અરવિંદ ઠાકોરને ઝડપી લેવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે મળેલી બાતમીના આધારે અરવિંદને કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, તે સમયે અરવિંદ દારૂના નશામાં હોવાથી પોલીસે તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને પાછો ચોરીના ગુનામાં સજા ભોગવવા માટે સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.