ગાંધીનગરના પાલજ ગામના બુટલેગરે શહેરના સેક્ટર - 2/સી માં મકાન ભાડે રાખીને વિદેશી દારૂ વેચવાનો વેપલો શરૂ કર્યો હતો. ત્યારે બુટલેગરે ભાડાનાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પેટી પલંગની અંદર સંતાડી છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ પાડીને 110 નંગ બોટલો સાથે બુટલેગરને ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં ચાલતી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવ દ્વારા સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવાની આપેલી સૂચના પગલે ટીમમાં માણસો સક્રિય થયા છે. ત્યારે બાતમી મળી હતી કે સેક્ટર - 2/સી પ્લોટ નંબર 1600/2 નાં મકાનના ઉપરના માળે ભાડે રહેતો મૂળ પાલજનાં મહાકાળી વાસમાં રહેતો બુટલેગર અજયસિંહ રતનસિંહ વાઘેલા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો છે.
જેનાં પગલે એલસીબીની ટીમે ઉક્ત મકાનમાં દરોડો પાડયો હતો. પોલીસે મકાનનાં ઉપરના માળે જઈને તપાસ કરતા બે રૂમ રસોડા વાળા પૈકી એક રૂમમાં પેટી પલંગની તલાશી લેતાં અંદર જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ કબાટમાં પણ બોટલો અને દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ભાડાના મકાનમાં રહેતાં બુટલેગર અજયસિંહ વાઘેલાની ધરપકડ કરી લેવાઈ હતી.
બાદમાં પોલીસે વિદેશી દારૂના જથ્થાની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની 110 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે બુટલેગર અજયસિંહની પૂછતાંછ કરતાં તે મૂળ પાલજ ગામનો વતની તેમજ અત્રે મકાન ભાડે રાખીને વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની કબૂલાત કરી હતી. તો પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે પાલજ ગામમાં મકાન હોવા છતાં અહીં ભાડાનું મકાન રાખીને વિદેશી દારૂ સંતાડવાનું ગોડાઉન બનાવી દઈ દારૂનો વેપલો કરવામાં આવતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેનાં પગલે એલસીબીએ 48 હજાર 305ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ સેક્ટર -7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.