દહેગામ બાયડ હાઇવે રોડ અંતોલી ગામના પાટીયા પાસે રખીયાલ પોલીસે પૂર્વ બાતમીના આધારે કારનો પીછોને બે બુટલેગરોને ઝડપી લઈ દારૂ અને બિયરની 12 પેટીઓ મળીને કુલ રૂ. 1.53 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના રખીયાલ પોલીસ મથકના પીએસઆઇ આશાબેન ગામીતની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા કંપનીની લીગન ગાડી(GJ07AG7810)માં વિદેશી દારૃ બિયરનો જથ્થો બાયડથી દહેગામ તરફ જનાર છે. જેનાં પગલે અંતોલી પાટીયા પાસે બાયડથી દહેગામ તરફ જતા રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી દીધી હતી.
ત્યારે થોડીક વારમાં બાતમી મુજબની ગાડી બાયડ બાજુથી આવતાં તેના ચાલકને ટોર્ચનું અજવાળુ કરી ઈશારો કરી ઉભા રાખવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસનો ઘેરો તોડીને ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી દહેગામ તરફ હંકારી મુકી હતી. જેથી અગાઉથી તૈયારી સાથે ઉભેલી પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતાં ચાલકે ગાડીને મીઠાના મુવાડા પાસેથી પાછી વાળી બાયડ તરફ ભગાડી મુકી હતી. જેને અંતોલી પાટીયા પાસે વાહનની આડાસ રાખી કોર્ડન કરી લેવામાં આવી હતી. બાદમાં ગાડીમાં સવાર હાર્દીક ઉર્ફે પીયૂષ ચંન્દ્રકાન્ત પંડ્યા(રહે. લક્ષ્મણભાઇ માસ્તરના મકાનમાં, બંગલા એરીયા રબારીવાસ, કુબેરનગર) અને ઘનશ્યામભાઇ રમેશભાઇ પટેલ (રહે. ૨ોંચી ગામ, પટેલ વાસ તા.બાયડ) ની ધરપકડ કરી લેવાઈ હતી.
બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 6 પેટીઓ તેમજ બિયરની છ પેટીઓ મળી આવી હતી. જે બાબતે બંને ઈસમો સંતોષકારક જવાબ આપતા ન હોવાથી પોલીસે દારૃ બિયરનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ ગાડી મળીને કુલ રૂ. 1.53 લાખનો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.