પ્રધાનમંત્રી મુલાકાત કરશે:ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ કરતાં ગાંધીનગરમાં દેશનાં પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની વડાપ્રધાન મોદી મુલાકાત કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • આ સેન્ટર પરથી રાજ્યની 54 હજાર જેટલી શાળાઓના 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓની તમામ માહિતી પ્રાપ્ત થાય છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગરમાં દેશના પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની મુલાકાત પણ લેવાના છે. નોંધનીય છે કે, રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગર ખાતે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવેલા દેશના સર્વપ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની મુલાકાત લેવાના છે. સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં 54 હજાર જેટલી શાળાઓમાં આશરે 5 લાખ શિક્ષકો અને 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગમાં આશરે અઢી લાખ કરતા વધારે સરકારી કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓના અચાનક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેકનોલોજી આધારિત અહીં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

રાજ્યના મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ, વિદ્યાર્થી, શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી થાય છે. ઓનલાઈમ પોર્ટલ મારફતે હાજરી પૂરવામાં આવે છે. વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે.

ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલના નિરીક્ષણના કારણે અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. મોડી હાજરી પુરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જ ખબર પડે છે.

આ સેન્ટર થકી મોબાઇલ-ટેબલેટથી વિડીયો કોલીંગ દ્વારા વિદ્યાર્થીને અત્યારે કયાં વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યું છે તેની ચકાસણી પણ થાય છે. વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જોઇ શકાય છે. જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી તેનું સીધું નિરીક્ષણ થાય છે. વિધાર્થીના ભણતર ને વધુ મા વધુ સુચારુ અને સુદ્રઢ બનાવી શકાય તે મુખ્ય હેતુ સાથે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કામ કરે છે.

આ સેન્ટરના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઇનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઊંચો આવે તે માટેની કામગીરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવેલા સ્કૂલ ઓફ એક્સલન્સ સેન્ટર ખાતે હાજર રહેશે. સાથે જ તેઓ જ્યારે સેન્ટરમાં પ્રવેશ કરશે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ 2.0, ગુણોત્સવ 2.0 સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર દ્વારા સતત શિક્ષણની કામગીરીનું પ્રેઝન્ટેશન શિક્ષકો દ્વારા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...