તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પીઆઇયુ એન્જિનીયર એસોસિએશન દ્વારા આજથી ગાંધીનગરમાં પડતર માંગણીઓ અંગે વિરોધ પ્રદર્શન કરાયું

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં સકારાત્મક ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
  • 10 મુખ્ય માગણીઓને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન

ગાંધીનગરના પીઆઇયુ ખાતે કાર્યરત ઇજનેરોના પગાર ખુબજ ન્યૂનતમ હોવા છતાં ઓગષ્ટ 2015ના સામાન્ય વધારા સિવાય છેલ્લા દસ વર્ષમાં કોઈ વધારો નહીં કરવામાં ઉપરાંત અન્ય કોઈ લાભો પણ આપવામાં નહીં આવતાં પીઆઇયુ એન્જિનીયર એસોસિએશન દ્વારા આજથી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનો પ્રારંભમાં કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર સિવિલ એન.આર.એચ.એમ બિલ્ડીંગ સામે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પીઆઇયુ એન્જિનીયર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિવિધ માંગણીઓ સંદર્ભે આજદિન સુધી કોઈ હકારાત્મક ઉકેલ આવેલ નથી. છેલ્લા સવા વર્ષથી અણધારી આવી પડેલ કોરોનાની વૈશ્વિક મહામારીએ દરેક સ્તરે અનેક પડકારો વચ્ચે અમારા જેવા ઓછું વેતન મેળવતા ઇજનેરો માટે અત્યંત વિકટ સંજોગોનું નિર્માણ કરેલ છે.

પીઆઇયુ ખાતે કાર્યરત તમામ ઇજનેરો મહામારીના સંજોગોમાં આરોગ્ય સેવાઓ પર અચાનક વધી પડેલી કામગીરીના બોજાને વહન કરવા માટે દિવસ રાત પોતાના તથા પરિવારના આરોગ્યના જોખમે આરોગ્ય સેવાઓ અધ્યતન કરવાના મહાયજ્ઞમાં યથા શક્તિ આહુતિ આપી રહ્યા છે. તેમજ ફરજ દરમિયાન આ મહામારીના સમયમાં ઘણા ઇજનેરો કોરોનાગ્રસ્ત પણ થઇ ચુક્યા છે. પોતાનો તેમજ પરિવારના સદસ્યોનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. અમુક ઇજનેરો હાલની તારીખે કોરોનાગ્રસ્ત છે તેમજ ICUમા પણ દાખલ છે. વિશેષમાં જણાવવાનું કે, આવી પડેલી વૈશ્વિક મહામારીના લીધે દરેકના આરોગ્ય માટે મોંઘી સારવાર સહિતના ખર્ચાઓને લીધે આર્થિક સંકટ પણ ઉભુ થયેલું છે. સ્વજન ગુમાવવાના કિસ્સાઓમાં આર્થિક ઉપરાંત સામાજિક પડકારો પણ ઉભા થયા છે. જે બાબત અત્યારના સંજોગોમાં સર્વ વિદિત છે. ઉક્ત સંજોગોમાં આવા પડકારો સામે રાહત મેળવવાના આશયથી અમો નીચે જણાવેલા માંગણીઓ માટે માનવીય અભિગમ દાખવી તાત્કાલિક હકારાત્મક ઉકેલ લાવવા માંગણી છે.

પીઆઇયુ એન્જિનિયર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માંગણીઓ

(1) ત્રણ વર્ષેથી વધુ સમયથી કાર્યરત ઇજનેરોની સેવા કાયમી કરી તે પ્રમાણે નિયમિત કર્મચારી તરીકેના તમામ લાભો આપવા. (2) ઓગષ્ટ 2015ની અસરથી તાત્કાલિક સાતમા પગારપંચ મુજબ પગારધોરણ નક્કી કરી એરિયર્સ સહિત ચુકવણી કરવી. તથા વાર્ષિક ઇજાફા અંગેની યોગ્ય નીતી નિર્ધારીત કરવી. (૩) પીઆઇયુના તમામ ઇજનેરોને મેડિકલ એલાઉંન્સ, ટ્રાંન્સપોર્ટ એલાઉન્સ, LTC, જુથવીમા, ગ્રેજ્યુઈટી, સીપીએફ વગેરે કાયમી કર્મચારીને લગતા તમામ લાભો આપવા.(4) પીઆઇયુના તમામ ઇજનેરોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણી તે પ્રમાણે પ્રોત્સાહન રકમ આપવી.(5) તાજેતરમાં સરકારશ્રી દ્વારા સ્મશાન ખાતે કામ કરતા કર્મીઓ માટે મરણોપરાત રૂપિયા 25 લાખની સહાય જાહેર કરેલી છે,તે મુજબ પીઆઇયુના ઇજનેરો માટે પણ મરણોપરાંત સહાય અંગેની યોગ્ય જોગવાઇ કરવી.(6) કોરોના વોરિયર્સ તરીકે અગ્રતાના ધોરણે સારવાર માટેની અલાયદી વ્યવસ્થા કરી સારવારનો ખર્ચ તથા આ અંગેની ગેરહાજરીને સવેતન રજા ગણવી. (7) આઉટ્સોર્સીગ તથા સ્વૈછીક નિવૃતી/વય નિવૃત કર્મીઓને પુન: નિયુક્તીની પ્રથા સદંતર બંધ કરવી.(8) સરકારશ્રીના નિયમો અનુસાર બઢતી આપવી.(9) ફરજ દરમિયાન કાનુની રક્ષણ આપવુ. (10) તાજેતરમાં છૂટા કરેલા તમામ ઇજનેરોને ફરજ પર પુન: હાજર કરવા.

ઉક્ત તમામ માગણીઓ અંગે 15 દિવસમાં સકારાત્મક ઉકેલ લાવવા નહીં આવે અન્યથા ના છુટકે સર્વે ઇજનેરો સાથે થયેલી ચર્ચા દરમિયાન સધાયેલ સર્વ સમંતિ મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ મજબુર થઇને અચોક્કસ મુદ્દતની હડતાલ અંગે પણ અમારા દ્વારા વિચારણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...