હથિયારો જપ્ત:ગાંધીનગરના કોલવડા હત્યા પ્રકરણમાં ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી પિસ્તોલ-બે છરી જપ્ત, પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના કોલવડામાં દિલીપસિંહ વાઘેલાની ગોળી મારી અને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઇ હતી. જે ગુનામાં પકડાયેલા બે આરોપીના સાત દિવસનાં રિમાન્ડ મેળવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે અન્વયે હત્યા પ્રકરણના ફરાર મુખ્ય સૂત્રધાર ઘનશ્યામસિંહ જમાદારના સાગરિતો પૈકી પ્રભાતજી ડાભીએ ડાંગરવાની સીમમાં સંતાડી દીધેલી પિસ્તોલ અને બે છરી પેથાપુર પોલીસે જપ્ત કરી ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી છે.
અઢી મહિના અગાઉ હત્યા કરવામાં આવી હતી
ગાંધીનગરનાં કોલવડામાં અઢી મહિના અગાઉ 14મી ઓગસ્ટના રોજ દિલિપસિંહ વાઘેલાની છરી અને પિસ્તોલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કોલવડામાં જ રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદાર દ્વારા તેના સાગરીતો પ્રભાતજી સુખાજી ડાભી, વિપુલ ઉર્ફે ગટ્ટી ભુપતજી ઠાકોર અને અન્ય એક વ્યક્તિને સોપારી આપી આ હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પગલે જમાદાર સહિત ફરાર ચાર આરોપીઓની શોધખોળ શરુ કરી હતી.
એકે પિસ્તોલ મારી તો એકે છરીના ઉપરા છાપરી ઘા માર્યા
જે પૈકી માણસાના એક આરોપીને ભૂતકાળમાં ઝડપી લેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પેથાપુર પોલીસ ટીમ દ્વારા પ્રભાતજી ડાભી અને વિપુલ ઠાકોરની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પીએસઆઇ એમ. એસ. રાણાને બાતમી મળી હતી કે, આ બન્ને આરોપીઓ મહેસાણાના ડાંગરવા ખાતે આવ્યા છે. જે બાતમીના પગલે બન્નેને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, પ્રભાતજી ડાભીએ પિસ્તોલમાંથી ગોળી છોડીને હત્યા કરી હતી. તો વિપુલ ઠાકોરે છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા.
​​​​​​​​​​​​​​હત્યાને અંજામ આપ્યા પછી બન્ને આરોપીઓ ડાંગરવા ગયા હતા
જેઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આ અંગે પીએસઆઇ રાણાએ જણાવ્યું હતું કે, હત્યાને અંજામ આપ્યા પછી બંને આરોપીઓ ડાંગરવા ગયા હતા. જ્યાં ડાંગરવા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ પ્રભાતજી ડાભીએ પિસ્તોલ અને છરી સંતાડી દીધા હતા. જે આજે સર્ચ ઓપરેશન હાથ ધરીને જપ્ત કરી લેવાયા છે. આ પિસ્તોલ કયાંથી લઈ આવ્યાં તેની હાલમાં પૂછતાછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...