• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Pieria Went To The Mother in law Of The Daughter Who Had A Love Marriage With A Young Man From Dehgam And Made A Fuss, In Order To Sniff The Vial To Kidnap Her.

પ્રેમલગ્નમાં માર પડ્યો:દહેગામનાં યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીની સાસરીમાં જઈને પિયરીયાએ ધિંગાણું મચાવ્યું, અપહરણ કરવા માટે શીશી સૂંઘાડવાની ફિરાકમાં હતા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમાઈ, સાસુ સસરાને પણ ઢોર માર માર્યો, ભીડ એકઠી થઈ જતાં બધા ભાગી ગયા

દહેગામની વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા યુવક સાથે ચાર મહિના પહેલા ભાગીને લગ્ન કરનાર દીકરીનું અપહરણ કરવાના ઈરાદે ગઈકાલે રાત્રે સાસરીમાં જઈને પિયરીયાએ ધિંગાણું મચાવી દીધું હતું. તેમ છતાં દીકરી પરત જવા તૈયાર નહીં થતાં તેના મામાઓ, પિતા સહિતના સાત લોકોએ જમાઈ-સાસુ સસરાને પણ ઢોર માર મારી નાસી જતાં દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોર્ટ મેરેજ કર્યા પછી યુવતી ભાગીને સાસરીમાં આવી ગઈ હતી
કચ્છના ભચાઉ ખાતે રહેતી 23 વર્ષીય યુવતીએ દહેગામનાં વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતાં યુવક સાથે ગત. 17/05/2022 ના રોજ કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં જુન મહિનામાં યુવતી ભાગીને ઘરે કોઈને કહ્યા વિના પોતાની સાસરી દહેગામ આવી ગઈ હતી. ગઈકાલે રાત્રિના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં યુવતીના મામાઓ, માસી સહિતના સાસરીમાં ગયા હતા. આથી સસરાએ આવકારીને ઘરમાં બેસાડ્યા હતા. ત્યારે યુવતી તેના પિયરીયાને પાણી આપવા લાગી હતી.

પિયરીયા કાચની શીશી સૂંઘાડવાની ફિરાકમાં હતા
એટલામાં તેના મામા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની સાથે આવવા કહેવા લાગ્યા હતા. અને તેને ખેંચીને બહાર લઈ ગયા ગયા. એ વખતે અન્ય એક મામાનાં હાથમાં રૂમાલ અને કાચની શીશી હતી. જેથી યુવતીએ બુમાબુમ કરતા તેનો પતિ દોડી બહાર આવ્યો હતો. જેને બધાએ પકડી લઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. એ દરમિયાન ત્રીજા મામા અને યુવતીના પિતા પણ આવી પહોંચ્યા હતા. અને તેણીને પકડવા દોડયા હતા. એટલે યુવતી ભાગીને ઘરમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સાસરીઓએ જમાઈને ઘેરી લઈને ઢોર માર મારવાની શરૂઆત કરી દીધી હતી. આ જોઈએ સાસુ સસરા તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા.

દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અચાનક સોસાયટીમાં બુમાબુમ થતા આસપાસના લોકો દોડીને આવી ગયા હતા. બધાને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારે બધા જતાં જતાં જમાઈ સહિતના દીકરી પરત નહીં કરો તો જાનથી મારી દઈશું તેવી ધમકીઓ આપીને વાહનો બેસીને નાસી ગયા હતા. આ બનાવના પગલે યુવતીએ માતા પિતા, મામાઓ અને માસી સહીતના સાત લોકો વિરુદ્ધ ફરિયાદ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...