કોરોનાનો કહેર એકાએક વધી ગયો છે. દિવસ પસાર થતાંની સાથે જ કેસનો આંકડો ડબલ થઇ જાય છે ત્યારે ગાંધીનગર કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરી દેવાઈ છે. કેસને લગતી સુનાવણી ગેટ નંબર 2 ઉપર જ કરાય તેવી વ્યવસ્થા થઈ છે. પહેલા દિવસે વ્યવસ્થા બદલાઇ હોવાના કારણે ઘર્ષણ ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ તમામ કોર્ટમાં કોરોના વાઇરસને અટકાવવા પગલાં લેવા સૂચના અપાઈ હતી. ગાંધીનગર કોર્ટમાં શનિવારે જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ પરિસરના બહારના ભાગનું નિરીક્ષણ કરાયું હતું, જેમા ગેટ નંબર-2 અને પાલિકા ભવન પાસેની જગ્યા બાબતે કોર્ટના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને છેલ્લે ગેટ નંબર-2ને પસંદ કરાયો હતો. કોર્ટમાં સોમવારથી વકીલ સહિતના તમામ કોર્ટમાં આવતા લોકો માટે પ્રવેશબંધી કરી દેવાઇ છે.
કેસની ફિઝિકલ સુનાવણી બંધ કરીને વર્ચ્યુઅલ સુનાવણી શરૂ કરાઈ છે. આ માટે કોર્ટના ગેટ નંબર 2 ઉપર બારી બનાવાઈ છે. જ્યુડિશિયલ ઑફિસરોને ડ્યુટી મૅજિસ્ટ્રેટ તરીકેની કામગીરી સોપવામાં આવી છે ત્યારે પ્રોડક્શન અને રીમાન્ડની કામગીરી ગેટ નંબર 2ની બારી ઉપર જ કરાશે. આ બાબતે સેક્ટર 7ના પીઆઇ ડી. એ. ચૌધરીને પૂછતાં કહ્યું હતું કે કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરાતાં અને કોરોનામાં લોકો કોર્ટ બહાર એકઠા ન થાય તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.