મોંઘવારીનો માર:પાટનગરમાં પેટ્રોલ 100ને પાર, ડિઝલ પણ સદીની નજીક

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલના વધેલા ભાવને પગલે પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. - Divya Bhaskar
પેટ્રોલના વધેલા ભાવને પગલે પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે.
  • દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ મોંઘવારીનો માર સામાન્ય જનતાની મુસીબતમાં વધારો કરે છે
  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે અનેક વાહનચાલકો હવે સીએનજી તરફ વળ્યા

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા સાથે પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલના ભાવે સદી વટાવી છે. ગાંધીનગર પેટ્રોલના ભાવ 100.25 રૂપિયા થયો છે, તો ડિઝલ પર 99.14ની આસપાસ પહોંચી ગયું છે. પેટ્રોલમાં ગુરૂવારે પ્રતિ લિટરે 29 પૈસાનો, જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે ગાંધીનગર સહિત રાજ્યના કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે, સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવ વધી જતાં મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે. ગત વર્ષે ઓક્ટોબરની આસપાસ પેટ્રોલનો ભાવ અંદાજે 78 રૂપિયાની આસપાસ હતો. જેમાં એક વર્ષમાં 22 રૂપિયા જેટલો વધારો થતાં ભાવ 100ને પાસ થયો છે. પેટ્રોલ ડિઝલ સાથે સીએનજીના ભાવ પણ વધારા સાથે 57.93 રૂપિયા થયા છે. સીએનજીમાં છેલ્લા ચાર દિવસમાં સાડા ત્રણ રૂપિયા વધારો થયો છે.

ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં રોજનું અંદાજિત 6 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે. અંદાજીત આટલી જ માત્રામાં જિલ્લામાં ડિઝલનું વેચાણ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવના કારણે વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા છે. જેને પગલે જિલ્લામા એક મહિનામાં 1.50 લાખ કિલો સીએનજી ગેસનું વેચાણ એટલે કે રોજનું અંદાજે 5 હજાર કિલો સીએએનજી ગેસનું વેચાણ થાય છે.

તેલ, સિલીન્ડરમાં વધેલા ભાવો લોકોની કમર તોડી રહ્યાં છે
માત્ર પેટ્રોલ-ડિઝલ જ નહીં દરેક વસ્તુના વધતા ભાવથી સામાન્ય લોકોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે. છાશવાર ગેસ સિલિન્ડરના વધતા ભાવ હાલ 925ની ઉપર પહોંચી ગયા છે. તો કપાસિયા તેલના ભાવ 2500થી ઉપર જ્યારે સિંગતેલના ભાવ 2600થી ઉપર પહોંચી ગયા હતા. બીજી તરફ મોટાભાગના દાળના ભાવ પણ 100ની આસપાસ કે તેથી વધુ પહોંચી ગયા છે.

હવે તો ઘરના લોકો બાઈક પણ ફેરવવા નહીં દે:શહેરીજનોની વ્યથા
પેટ્રોલના 100 રૂપિયા ભાવ થઈ જવા અંગે શહેરના એક રહીશે કહ્યું હતું કે,‘હજુ તો હું કોલેજ કરું છું, પરિવારે મહા મુસીબતે એક બાઈક લઈ આપ્યું છે. પરંતુ જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે તે જોતા હવે તો ઘરવાળા બાઈક ફેરવવાની ના પાડી દેશે તેવું લાગે છે. -જયેશ પરમાર, રહીશ

પેટ્રોલના વધેલા ભાવથી બજેટ ખોરવાય છે, શાકભાજી લેવા ચાલતા જવુ પડશે
દિશા બરંડાએ કહ્યું ું કે,‘ અમે શાકભાજી લેવા જઈએ ત્યારે એક-એક રૂપિયાે બચાવીએ છીએ. પેટ્રોલના ભાવ વધતાં તેની સીધી અસર બજેટ પર પડે છે. કારણ ઘરમાં બે કે ત્રણ ટુ વ્હીલર હોય તો સીધી રીતે મહિને પેટ્રોલનો ખર્ચ વધી જાય છે. જેને પગલે હવે લાગે છે કે શાકભાજી સહિતની વસ્તુઓ લેવા ચાલતા જવું પડશે જેથી પૈસા પણ બચે અને સ્વસ્થ્ય પણ સારું રહે.’

અન્ય સમાચારો પણ છે...